વડોદરા, તા.૨૧ 

કેન્દ્ર સરકારે મંજૂર કરેલ કૃષિ કાયદા બિલ સામે આમ આદમી પાર્ટ-‘આપ’એ વિરોધ નોંધાવી આ ત્રણેય વિધેયક ખેડૂતવિરોધી હોવાનું જણાવી ‘આપ’ દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ખેતીપ્રધાન દેશ તરીકે દેશમાં અંદાજે પ૦ ટકા જેટલા લોકો સીધા ખેતી સાથે જાેડાયેલા છે અને આ બિલ ખેડૂતોના હિતમાં હોય એવો સરકારનો દાવો છે પરંતુ દેશભરમાંથી વિવિધ ખેડૂત સંગઠનો, ખેડૂત પ્રતિનિધિઓ તેમજ સરકારી કે બિનસરકારી એવોર્ડ પ્રાપ્ત કરેલ પ્રગતિશીલ ખેડૂતોનો કોઈ અભિપ્રાય લેવામાં આવેલ નથી, માટે આ બિલ એકતરફી અને કંપનીઓના ફાયદા માટે બનાવવામાં આવેલ છે. દરેક રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અને ખેડૂતોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે. આ બાબત ધ્યાનમાં લીધા વગર તેમજ દરેક રાજ્ય સરકારનો અભિપ્રાય કે સૂચન મેળવ્યા વગર જ ફક્ત એ.સી. ઓફિસોમાં બેસીને કંપનીઓના લાભાર્થે આ બિલ બનાવવામાં આવેલ છે. જાે સરકાર ખરેખર ખેડૂતો માટે કંઈક સારું કરવા આ બિલ લાવેલ હોય તો બિલ પાસ કરવામાં ઉતાવળ શા માટે? લોકસભા અને રાજ્યસભામાં ફક્ત એક જ દિવસમાં આ બિલ પાસ કરવાના બદલે દેશના તમામ પક્ષોને સદનમાં પૂરતી ચર્ચા કરવાની તક આપવી જાેઈએ અને ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કર્યા પછી આ બિલ પસાર કરવું જાેઈએ.

કોરોનાના નામે ચર્ચા કર્યા વગર ઉતાવળે ઉતાવળે સંસદમાં આ બિલ પસાર કરવા પાછળ સરકારના મેલા અને ખેડૂતવિરોધી ઈરાદાઓ સ્પષ્ટ થાય છે.