વડોદરા : સુભાનપુરા વિસ્તારના ફ્લેટમાં પીજી તરીકે રહેતી ૧૯ વર્ષીય યુવતી સાથે તેના જ ફ્લેટમાં દારૂની પાર્ટી કર્યા બાદ યુવતી પર પાશવી બળાત્કાર ગુજારવાના અને બળાત્કાર બાદ માનસિક રીતે ભાંગી પડેલી બળાત્કાર પિડીતા યુવતીએ આપઘાત કરી લેવાના ચકચારભર્યા બનાવમાં પોલીસે આજે બંને આરોપીઓની કોરોના ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી છે. બીજીતરફ આ બનાવમાં પોલીસે યુવતી સાથે ડ્રીન્કસ પાર્ટીમાં હાજર નાઝીમ નામના આરોપીએ પોતે દારૂ નથી પીતો તેમ કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું નાઝીમ નશેબાજ હોવાની વિડિઓ ક્લિપ પોલીસના હાથે લાગતા પોલીસે તે ક્લિપને પણ ગુનાના કામે કબજે કરી છે.

મ.સ.યુનિ.ના એફવાય બી.કોમનો અભ્યાસ કરતી તેમજ બે વખત કબડ્ડીમાં રાષ્ટ્રીય કક્ષાએ રમી ચુકેલી ૧૯ વર્ષીય યુવતી તેની માતાનું નવેક માસ અગાઉ અવસાન થયા બાદ સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પિતાને મદદરૂપ થવા માટે છાણીની ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી અને ગત સપ્ટેમ્બર માસથી તે સુભાનપુરા જીએસટી ભવન પાસેના એપાર્ટમેન્ટમાં પેઈંગગેસ્ટ તરીકે ફ્લેટમાં એકલી રહેતી હતી. આ યુવતીના ફ્લેટમાં ગત ૬ઠ્ઠી તારીખે તેની બહેનપણી દેવીકા તેમજ સાથે નોકરી કરતા ૧૯ વર્ષીય દિશાંત દિપક કહાર (શિવમ એપાર્ટમેન્ટ, કહાર મોહલ્લો, નવાપુરા) અને દિશાંતનો મિત્ર ૨૧ વર્ષીય નાઝીમ ઈસ્માઈલ મિર્ઝા (ફતેપુરા, ભાંડવાડા)એ વિદેશી દારૂની મહેફિલ માણી હતી. જાેકે દેવીકા મોડી સાંજે રવાના થતા જ રૂમમાં એકલી હાજર યુવતી પર દિશાંતે હુમલો કરી બળજબરીથી પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવથી ભાંગી પડેલી યુવતીએ તેના બોયફ્રેન્ડને તમામ વિગતો જણાવ્યા બાદ ૧૦મી તારીખે પિતાના ઘરે જઈ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની લક્ષ્મીપુરા પોલીસે બળાત્કાર અને આપઘાતની દૂષ્પ્રેરણાનો ગુનો નોંધી દિશાંત અનેે નાઝીમને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓના આરટીપીસીઆર ટેસ્ટનો આજે બપોરે નેગેટિવ રિપોર્ટ આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે.

બીજીતરફ આ કેસની તપાસ કરતા લક્ષ્મીપુરાના ઈન્ચાર્જ પીઆઈ આર.સી.કાનમીયાએ તપાસનો ધમધમાટ શરૂ કરી આ ગંભીર બનાવમાં કોઈ કચાશ ના રહે તે માટે ઘટનાને સાથે સંકળાયેલા આરોપીઓ અને સાહેદોના નિવેદનો મેળવી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. આ અંગે એસીપી ભેસાણિયાએ જણાવ્યું હતું કે યુવતી જે ફ્લેટમાં રહેતી હતી તે સ્થળેથી તેમજ આપઘાત કર્યો તે ઘરમાં એફએસએલ દ્વારા તપાસ કરાવી તમામ સાંયોગીક પુરાવા એકત્ર કર્યા છે. આ તમામ નિવેેદનો અને પુરાવાઓથી બનાવને સમર્થન મળી રહ્યું છે.આ ઉપરાંત આજે બંને આરોપીઓની મેડિકલ તપાસ કરાવી તેઓના પણ જરૂરી નમુના મેળવાયા છે. આ ઘટનામાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ પૈકી નાઝીમ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એવી કેફિયત જણાવતો હતો કે હું ધાર્મિક પ્રવૃત્તીનો છું અને ક્યારેય દારૂ પીતો નથી. જાેકે આજે પોલીસે જે સાહેદોના નિવેદનો લીધા તે પૈકીના એક સાહેદે પોલીસને નાઝીમની એક વિડીઓ ક્લિપ આપી હતી જેમાં તેના રૂમમાં ઘણી બધી દારૂની બોટલો ભરેલી છે અને તે કેમેરા સામે દારૂ ગટગટાવી રહ્યો છે. આ ક્લિપિંગના આધારે નાઝીમ નશેબાજ હોવાની વાતને પુરાવો મળતા પોલીસે આ ક્લિપિંગને પણ પુરાવા તરીકે ગણી હતી. પોલીસે આ ક્લિપિંગ તેમજ યુવતીની અંતિમચિઠ્ઠી, બોયફ્રેન્ડ સાથે વાત કર્યાની અંતિમ ઓડિયો ક્લિપિંગને એફએસએલમાં મોકલી આપી છે.

કબડ્ડી પ્લેયરો - મિત્રો સહિત ૨૦થી વધુના નિવેદનો લેવાયાં

યુવતી કબડ્ડીની પ્લેયર હોઈ અને સાથી ખેલાડીઓ સાથે પણ ફોન અને સોશ્યલ મિડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતી હતી. આ વિગતોના પગલે પોલીસે આજે યુવતીના સાથે કબડ્ડી પ્લેયર મિત્રો અને ઓફિસના સહકર્મચારીઓ અને તેના બોસ સહિત ૨૦થી વધુ લોકોની આ બનાવ સંદર્ભે પુછપરછ કરી તેઓના નિવેદનો મેળવ્યા હતા.

કબડ્ડી કોચે પોલીસ ઉચ્ચાધિકારીને રજૂઆત કરતાં બળાત્કારનો ગુનો નોંધાયો

યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ લક્ષ્મીપુરા પોલીસે આ બનાવ બળાત્કાર અને આપઘાતની દુષ્પ્રેરણાનો હોવાની પોલીસ ઉચ્ચાધિકારીઓને જાણ કરતા પોલીસ ઉચ્ચાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવતીની કબડ્ડીની કોચે શહેરના એક પોલીસ ઉચ્ચાધિકારીને મળીને રજુઆત કરી હતી કે આ યુવતી કબડ્ડીની ખેલાડી હોઈ તેનામાં હાર અને જીત સ્વિકારવાની ભાવના હતી. ગમે તેવી પરિસ્થિત હોય તો પણ તે હાર સ્વીકારે પરંતું આપઘાત તો ક્યારેય ના કરે. તેની પર ખરેખરમાં હુમલો કરી પાશવી બળાત્કાર થયો છે અને તેના કારણે જ તેણે નાસીપાસ થઈને આપઘાત કર્યો છે. કોચની વાત પોલીસ અધિકારીના ગળે ઉતરતા આ કેસમાં એફએસએલ રિપોર્ટ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જાેયા વિના બળાત્કારનો ગુનો નોંધાયો હતો.

આરોપીઓના પણ ૧૬૪ મુજબ નિવેદનો નોંધાશે

આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ યુવતીને દારૂ પીવડાવ્યા બાદ તેની પર બળાત્કાર ગુજારવાની પોલીસ સમક્ષ પ્રાથમિક કબુલાત કરી છે. જાેકે આ ગંભીર ગુનામાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે પોલીસ અધિકારીઓની સુચના મુજબ પોલીસે આ કેસના સાહેદો સાથે બંને આરોપીઓના પણ ૧૬૪ મુજબ નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આજે બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે

આ બનાવમાં યુવતી પર દિશાંત બાદ નાઝીમે પણ બળાત્કાર કર્યો છે કે કેમ, તેઓ દારૂની બોટલ ક્યાંથી અને કોની પાસેથી લાવેલા, તેઓ યુવતી પર બળાત્કાર બાદ ક્યાં ભાગેલા, આ ગુનામાં યુવતીની બહેનપણી દેવીકાને અગાઉથી કોઈ જાણ કરેલી કે કેમ, અન્ય પુરાવાનો કોઈ જગ્યાએ નાશ કર્યો છે કે કેમ, બળાત્કાર અને આપઘાતના સમયગાળામાં યુવતી સાથે કેટલી વાર અને કેવી રીતે વાતચિત કરી તેમજ વાતચિતમાં કોઈ ધમકી આપી હતી કે કેમ વગેરે મુદ્દાઓની તપાસ કરવાની હોઈ પોલીસે આજે બપોરે દિશાંક કહાર અને નાઝીમ મિર્ઝાની સત્તાવાર ધરપકડ બાદ કર્યા બાદ બંનેને આવતીકાલે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

પોલીસે યુવતીના પિતાનું પણ કાઉન્સિલિંગ કરાવ્યું

પોતાની પુત્રીના આપઘાત અને ત્યારબાદ સપાટી પર આવેલી બળાત્કાર જેવી ચોંકાવનારી ઘટનાથી યુવતીના પિતા ભાંગી પડ્યા છે. પત્નીના અવસાન બાદ માંડ માંડ સ્વસ્થ બનેલા યુવતીના પિતા પુત્રી દારૂની મહેફિલ માણતી હોવાની અને તેમાં બળાત્કારની ઘટનાની જાણ થતાં શરમજનક સ્થિતિમાં મુકાયા છે અને તે વાત કરવાનું ટાળી રહ્યા છે. તેમની પુછપરછ અને નિવેદન પોલીસ માટે ઘણી જરૂરી હોઈ પોલીસે મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભનાબેન રાવલ મારફત કાઉન્સિલિંગ કરાવ્યું હતું.

દેવિકાએ યુવતીને દારૂના રવાડે ચઢાવી હતી

યુવતી સાથે ડ્રિન્કસ પાર્ટીમાં સામેલ દેવીકાનું પણ પોલીસે નિવેદન લીધું હતું. પોતે ચાલુ ડ્રિન્કસ પાર્ટીમાં બહેનપણીને એકલી છોડી દેવાના કારણે આ ઘટના બની હોવાનું અને તેમાં પોતે પણ જવાબદાર હોવાનું માનતી દેવીકા બહેનપણીના આપઘાતથી ભારે વ્યથિત છે. પોલીસે દેવીકાનું પણ કાઉન્સિલીંગ કરાવી તેને ખરાબ સોબત અને ડ્રિન્કસ જેવી ગંદી ટેવો છોડવા સમજાવતા તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે બળાત્કાર પિડિતા તેની માતાના અવસાન બાદ ભાંગી પડી હતી અને તે સમયે દેવીકાએ જ યુવતીને માતાના દુઃખનું દર્દ ભુલવાના બહાને દારૂની ચુસ્કીઓ મરાવી હતી અને તેના કારણે યુવતી દારૂ પીવાના રવાડે ચઢી હતી.