લોકસત્તા વિશેષ : બીસીએ સત્તાધીશો દ્વારા અચાનક નવી જમીન ખરીદવા માટે કરવામાં આવી રહેલી હિલચાલ અંતર્ગત રોકવામાં આવનાર દલાલ કંપની નક્કી કરવા માટે કોને ખેલ પાડ્યો તેને લઈ અનેક અટકળો વહેતી થઈ છે. બીસીએને જમીન આપવા માટે જે કંપનીએ દરખાસ્ત રજુ કરી છે તેનો ડાયરેકટર અલ્પેશ પટેલ એક જાણીતો ભૂમાફિયા હોવાની વિગતો સપાટી પર આવી છે. શહેર નજીક આવેલ ચિખોદ્રાની જમીનમાં વર્ષો અગાઉ મૃત્યુ પામનાર વ્યક્તિને કાગળ પર જીવતો કરી બોગસ દસ્તાવેજ કરી લેવાના કેસમાં તેની સામે જિલ્લા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. એટલું જ નહીં વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મારી નાંખવા માટે સોપરી આપવાના કિસ્સામાં પણ જેલવાસ ભોગવી આવ્યા છે. ત્યારે આ ગુનાહિત ભૂતકાળ ધરાવનારને રૃપિયા ૨૫ કરોડની જમીન ખરીદવા માટેનો વહીવટ સુપ્રત કરવા માટે બીસીએમાં કોના ઈશારે આટલો બધો પ્રેમ વર્ષી રહ્યો છે તેને લઈ શંકાઓ વહેતી થઈ છે.

બીસીએ દ્વારા કોટંબી ખાતે બનાવવામાં આવી રહેલા નવા સ્ટેડીયમને અડીને આવેલી વધારાની ૧૨.૪૦ લાખ ચોરસ ફૂટ જમીન પ્રતિ ચોરસ ફૂટના રૃપિયા ૨૦૧ પ્રમાણે ખરીદવા માટે એપેક્ષ કમિટિની મંજુરી માંગવામાં આવી છે. આ જમીન ખરીદવા માટે બીસીએ દ્વારા એક ખાનગી કંપનીને દલાલી સહિત કામગીરી સુપ્રત કરવાની વાત કરવામાં આવી છે. પરંતું આ કંપની વતી બીસીએ સાથે નેગોસીએશન કરનાર ડાયરેકટર અલ્પેશ પટેલ હોવાનું સામે આવ્યું છે.લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર આ અલ્પેશ પટેલ એક ભૂમાફિયા અને બોગસ કાગળો ઉભા કરી જમીનના દસ્તાવેજ કરવાનો આરોપી છે. શહેર નજીક આવેલ ચિખોદ્રાની જમીનમાં વર્ષો અગાઉ મરણ પામનાર વડીલને કાગળ પર જીવતા કરી તેઓના નામે સબરજીસ્ટ્રારમાં સહીઓ પણ કરાવી જમીનના દસ્તાવેજ કરાવી લેવામાં આવતા તેની સામે પોલીસ ફરિયાદ દાખલ થયેલી છે. જીલ્લા પોલીસ હસ્તકના એલસીબીમાં આજે પણ આ જમીનની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.આ ઉપરાંત વાઘોડિયા વિધાનસભાની ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે ઝંપલાવનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મારી નાંખવા માટે સોપારી આપવાના કિસ્સામાં પણ અલ્પેશ પટેલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું હતું. જેમાં અલ્પેશની પોલીસે ધરપકડ કરી જેલભેગો પણ કર્યો હતો. ત્યારે આવા ગુનાહિત ભૂતકાળ ધરાવનાર વ્યક્તિ અને તેની કંપનીની પૂરતી તપાસ કર્યા વગર બીસીએ સત્તાધીશો કોના ઈશારે અને કોના પ્રેમમાં આંખો બંધ કરી આખો વહીવટ કરી રહ્યા છે તેને લઈને અનેક શંકા કુશંકાઓ ઉભી થઈ છે.

પ્રણવ અમીન જવાબ આપે – આ પ્રક્રિયા કોના ઈશારે અને કેમ?

બીસીએમાં જ્યારે જ્યારે જમીન ખરીદવાની પ્રક્રિયા કરવામાં આવી છે ત્યારે ત્યારે કોઈને કોઈ વિવાદ થયો છે. અગાઉ સાંકરદાની જમીનને લઈ થયેલા વિવાદમાં આજે પણ કાનૂની લડાઈ ચાલી રહી છે. ત્યાર બાદ કોટંબી ખાતે લેવામાં આવેલી જમીનમાં લગભગ ૧૦ વર્ષની ખેંચતાણ બાદ ત્યાં સ્ટેડીયમની પ્રથમ ઈંટ મુકાઈ હતી. હજી કોટંબીમાં ખરીદવામાં આવેલી ૧૪ લાખ ચોરસ ફૂટ જમીનમાં સ્ટેડીયમની કામગીરી શરૃ કરે સમય થયો નથી ત્યાં બીસીએ સત્તાધીશો દ્વારા અચાનક ત્યાં વધુ ૧૨.૪૨ લાખ ચોરસ ફૂટ જમીન ખરીદવાનો ખેલ શરૃ કરવામાં આવ્યો છે. તેમાં પણ આ આખી પ્રક્રિયામાં ગુનાહિત ભૂતકાળ ધરાવનાર વ્યક્તિની કંપનીને કામગીરી સોંપવાની તથા તે પણ અગાઉ ખરીદેલી જમીનની કિંમત કરતા લગભગ બમણી કિંમતે જમીન ખરીદવાની પ્રક્રિયા કરાઈ રહી છે ત્યારે વધુ એક વિવાદ થતાં બીસીએ પ્રમુખ પ્રણવ અમીને તેમના મેમ્બરોને જવાબ આપવો જાેઈએ કે આ સમગ્ર પ્રક્રિયા કેમ અને કોના ઈશારે કરવામાં આવી રહી છે.

રમેશ મહારાજ અને અલ્પેશ પટેલ વચ્ચે શું સંબંધ?

અગાઉ બીસીએ દ્વારા ખરીદવામાં આવેલી જમીનો રમેશ પટેલ ઉર્ફે રમેશ મહારાજ સાથે એમ.ઓ.યુ.કરી ખરીદવામાં આવી હતી. આ એમ.ઓ.યુ.માં જમીનની કિંમત રૃપિયા ૧૦૦થી ૧૨૦ પ્રતિ ચોરસ ફૂટ હોવાનું કહેવાય છે. પરંતું આ જમીન હવે રૃપિયા ૨૦૧ પ્રતિ ચોરસ ફૂટ ખરીદવામાં આવી રહી છે ત્યારે રમેશ પટેલ અને અલ્પેશ પટેલ વચ્ચે શું સંબંધ છે તેની પણ અટકળો વહેતી થતાં બીસીએ માટે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થયું છે.

૭૩એએની જમીનની ગેરંટી બીસીએમાં કોન લેશે?

બીસીએ દ્વારા નવી ૧૨.૪૨ લાખ ચોરસ ફૂટ જમીન ખરીદવા માટેની જે પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે તેની ખાનગી કંપની દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્તમાં સ્પષ્ટ જણાવ્યું છેકે જે જમીન બિનખેતી કરાવી તેનો દસ્તાવેજ બીસીએના નામનો કરવામાં આવે તે જમીનની કિંમત તુરત જ ચુકવી દેવાની રહેશે. પરંતું ૭૩એએની પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે અને આ જમીનના કુલ જથ્થામાં ૫૦ ટકા એટલેકે આશરે ૬ લાખ ચોરસ ફૂટ જમીન ૭૩એએની શરતની છે. ત્યારે આ જમીનની બીસીએમાં ગેરંટી કોન લેશે તેને લઈને કોઈ બોલવા તૈયાર નથી.