વડોદરાઃ ગ્રામ્ય વિસ્તારમાંથી જિલ્લા પોલીસે માર્ચ મહિનામાં પોણા ત્રણ લાખની કિંમતનો દારૂનો જથ્થો એક ગોડાઉનમાંથી ઝડપી પાડયો હતો. જે ગુનામાં માલ સપ્લાયર બૂટલેગર અલ્પુ સિંધીનું નામ ખૂલવા પામ્યું હતું. જે ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી અલ્પુ સિંધી ઉર્ફે અલ્પેશના આજે રિમાન્ડ પૂરા થતાં તાલુકા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં અત્રેની અદાલતે આરોપી અલ્પુ સિંધીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.

દારૂ-જુગાર સહિતની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા પોલીસે ગત માર્ચ મહિનામાં વરણામા હદ વિસ્તારમાંથી દારૂનું ધમધમતું ગોડાઉન ઝડપી પાડયું હતું. પોલીસના આ છાપામાં ગોડાઉનમાંથી એક શખ્સ અને રૂા.ર.૮૭ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આરોપીની ઘનિષ્ઠ પૂછપરછમાં દારૂનો જથ્થો બૂટલેગર અલ્પુ સિંધીએ આપ્યો હોવાનું ખૂલવા પામતાં પોલીસે આરોપી અલ્પુ ઉર્ફે અલ્પેશ સિંધીની પ્રોહિબિશનના આરોપ હેઠળ ધરપકડ કરી હતી તેમજ આ ગુનાની તપાસ માટે પોલીસે આરોપી અલ્પુ સિંધીના અદાલતમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે રિમાન્ડ આજે પૂરા થતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કરતાં અત્રેની અદાલતે આરોપી અલ્પુ સિંધીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.