વડોદરા : રાજ્યમાં સ્ટીલ અને સિમેન્ટ મેન્યુફેકચર દ્વારા કાર્ટેલ કરીને અચાનક કરાયેલા ભાવવધારને કારણે બાંધકામ ઉદ્યોગ તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પર તેની ગંભીર અસર થઈ છે, જેના કારણે મકાનોની કિંમતમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે સિમેન્ટ અને સ્ટીલના ભાવવધારા સામે વડોદરાના બિલ્ડરોએ આજે કામકાજ બંધ રાખી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સિમેન્ટ અને સ્ટીલના ભાવો માટે સરકારે અન્ય સેકટરોની જેમ અલગ રેગ્યુલેટરીની રચના કરવાની માગ કરી હતી.

ક્રેડાઈ દ્વારા આ સંદર્ભે જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, બાંધકામ વ્યવસાયકારો દ્વારા તેમના પ્રોજેકટસ ઉપર ચાલી રહેલ કામગીરી હવે ધીરી ધીરે સામાન્ય થવા તરફ જઈ રહી હતી. ત્યારે જ સ્ટીલ અને સિમેનટ કંપનીઓ દ્વારા કાર્ટેલ કભરીને કોઈ જ વાજબી કારણ વગર અચાનક ભાવવધારો કરેલ છે, તેમજ શોર્ટ સપ્લાય પણ કરેલ છે. વધુમાં ડામર, ડીઝલ અને અન્ય મટિરિયલના ભાવોમાં પણ અસહ્ય ભાવવધારો થઈ ગયેલ છે, જેના કારણે બાંધકામ ખર્ચમાં ખૂબ જ વધારો થયેલ છે જેથી વિકાસની ગતિ પણ ધીમી પડવાથી રાજ્યનો વિકાસ રૂંધાઈ રહેલ છે. ગુજરાતમાં સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા દેશના અન્ય રાજ્યોમાં ઓછી કિંમતે સિમેન્ટનું વેચાણ કરવામાં આવે છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન ઉપરાંત અન્ય ખર્ચાઓ ગુજરાતમાં વેચાણ માટે ઓછા થાય તેમ છતાં ગુજરાત રાજ્યમાં સિમેન્ટ અને રાજ્યોની સરખામણીમાં મોંઘાભાવે પ્રાપ્ત થાય છે, તે તદ્દન બિનવ્યવહારિક છે અને તર્કસંગીત નથી. આ અંગે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ ઉપર કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. સિમેન્ટ અને સ્ટીલના ભાવો માટે સરકાર દ્વારા અન્ય સેકટરના નિયમન માટે કરેલ રેગ્યુલેટરી ઓથોરિટીની જેમ તાકીદે એક અલગ રેગ્યુલેટરીની રચના કરવી જાેઈએ, જેથી સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા છાશવારે ગેરકાયદેસર રીતે કાર્ટેલ રચીને કરવામાં આવતા અસહ્ય ભાવવધારા અને શોર્ટ સપ્લાયની નીતિ ઉપર નિયંત્રણ કરી શકાય તેવી માગ કરી હતી.