વડોદરા : સ્ટર્લિંગ ગ્રુપના નિતીન અને ચેતન સાંડેસરા દ્વારા જાહેરક્ષેત્રની બેંકો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે અને કોર્ટે તેમને આર્થિક ભાગેડુ જાહેર કર્યા છે.આમ છતાં જાહેરક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. દ્વારા નાઇજિરીયા ખાતેની ઓઇલની આયાત ચાલુ રાખવામાં આવી છે તેવી ચોંકવાનારી માહિતી બહાર આવી છે.

 વ્હિસલ બ્લોએર કેપ્ટન સુખપાલસિંઘે દાવો કર્યો છેકે, સાંડેસરા બંધુઓએ જાહેરક્ષેત્રોની બેંકો સાથે કૌભાંડ આચરીને રૃ.૫૮૦૦ કરોડ ઉપરાંતની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઇ છે.આ ઉપરાંત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે તેમને ૨૦૨૦માં આર્થિક ભાગેડુ જાહેર કર્યા હતા.આમ છતાં ઇન્ડિયન ઓઇલ કંપની લિમિટેડે સાંડેસરાબંધુઓની નાઇજિરીયા ખાતેની ઓઇલ કંપની સ્ટર્લિંગ ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ એનર્જી પ્રોડકશન કંપની લિ. ( સીપકો) ખાતેથી ઓઇલ આયાત કરવાનું ચાલુ રાખ્યું છે.

ભારતીય કસ્ટમ વિભાગના ડેટા મુજબ ડિસેમ્બર૨૦૨૦માં જ રૃ.૩૬૫.૮૦ કરોડનું ૧,૩૦,૩૪૧ મેટ્રિક ટન ક્રુડ ઓઇલ આઇઓસી દ્વારા ગુજરાતના વાડીનાર બંદર ખાતેથી આયાત કરવામાં આવ્યું હતું. જ્યારે બીજુ એક ટેન્કર પારાદીપ બંદર ખાતે આવી રહ્યું છે.

કેપ્ટન સિંઘના દાવા મુજબ સાંડેસરાઓને આર્થિક ભાગેડુ જાહેર કરવામાં આવ્યા બાદ ત્રીજું ટેન્કર ઓઇલ લઇને આવી રહ્યું છે.

જાન્યુઆરી ૨૦૧૮થી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં આઇઓસીએ રૃ.૫૪૩૫ કરોડનું ઓઇલ આયાત કર્યું છે. જ્યારે ૨૦૧૩થી ગણવામાં આવે તો રૃ.૧૨,૦૦૦ કરોડનું ઓઇલ આયાત કર્યું છે.

કેપ્ટન સિંઘે સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરી છેકે, તે આંધ્ર બેંક હવે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય ધિરાણ આપનારી બેંકો અને સ્ટર્લિંગ બાયોટેક અને કોન્સોર્ટિયમ બેંક્સના સભ્યોએ સિપ્કોની સ્થાવર અને જંગમ મિલકતો તથા ઓઇલ જે ઉત્પન કરે છે અને ઓફશોર ટ્રસ્ટ સહિતના એકાઉન્ટનો કબજાે લઇ લે.

 એક અહેવાલ મુજબ નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા, હિતેશ પટેલની પ્રમોટ કરેલી આ કંપનીએ બેંકો સહિતની એજન્સીઓ સાથે રૃ.૧૫૬૦૦ કરોડનું કૌભાંડ આચર્યું છે અને વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા રૃ.૨,૬૩૮ કરોડ ડિસેમ્બર ૨૦૨૧માં ચૂકવવા માગે છે તેવી દરખાસ્ત કરી છે. સીબીઆઇ, ઇડી તથા સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિંગેશન ઓફિસ દ્વારા સાંડેસરાબંધુઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને હજી તપાસ ચાલી રહી છે.

કેપ્ટન સિંઘે રિચમન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિ. અને આંધ્ર બેંકના સુપ્રીમ કોર્ટના કેસમાં એક અરજી આપી છે. સોમવારે સુપ્રીમ કોર્ટની બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલે કરેલી મૌખિક રજૂઆતને માન્ય રાખી છે અને ઇડી અને સીબીઆઇને આ કેસમાં પક્ષકાર તરીકે જાેડવા મંજુરી આપી છે.

એએસજી દિવાને સ્ટર્લિંગ ગ્રુપના ધારાશાસ્ત્રી મુકુલ રોહતગી દ્વારા આ કેસની સમયમર્યાદા વધારવા માટે કરાયેલી રજૂઆતનો વિરોધ કર્યો હતો. મુકુલ રોહતગીએ કોર્ટને એવી જાણ કરી હતીકે, સાંડેસરાબંધુઓએ રૃ.૩૭૧ કરોડની ચૂકવણી કરી છે, જે કંપનીની ફડચાની કિંમત કરતાં વધુ છે. આ કેસમાં ૨૨મી ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી કરવામાં આવનાર છે.

કેપ્ટન સુખપાલસિંઘે ૨ મે ૨૦૨૦માં કેન્દ્રિય નાણાંમંત્રી ર્નિમલા સિતારામનને પત્ર લખીને એવો પણ આક્ષેપ કર્યો છેકે, નાઇજિરીયાની સિપકોની હાલની સ્થાવર અને જંગમ મિલકત ઉપર હક ધરાવે છે છતાં ભારતીય બેંકો આ અસ્ક્યામતો હાંસલ કરવા માટે તેમના અધિકારનો ઉપયોગ કરતી નથી.

 કેપ્ટનસિંઘે સુપ્રીમ કોર્ટમાં ઇન્ટરવેન્શન અરજી કરીને જણાવ્યું છેકે, સાંડેસરાની નાઇજિરીયન કંપની સારી રીતે ચાલે છે ત્યારે ભારતીય બેંકોની પાસે કાનૂની અધિકાર આ અસ્ક્યામતો હાંસલ કરવા માટે છે અને કન્સાઇનમેન્ટ પણ જપ્ત કરી શકે છે.

 સાંડેસરાબંધુઓ સામેનો મૂળ ક્લેઇમ રૃ.૫,૭૩૨.૦૮ કરોડનો હતો જેની સામે એડમીટેડ ક્લેઇમ રૃ.૨,૭૭૨ કરોડનો છે. આંધ્ર બેંક (યુનિયન બેંક) બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક વગેરેએ ક્લેઇમ કર્યો છ . કેપ્ટન સિંઘે જણાવ્યું છેકે, આ પ્રજાના નાણાં છે અને ડિફોલ્ટર પાસેથી તે વસૂલવા જરૃરી છે.