ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરના ચોથા દિક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભાવિ જીવનની કામના કરી હતી. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે શિક્ષકની સમાજ પ્રત્યે એક મોટી જવાબદારી છે કારણ કે, શિક્ષક માનવ નિર્માણનું કેન્દ્ર છે.ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા (આઈઆઈટીઈ)નો આજે ચોથો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં રાજ્યપાલના હસ્તે ૭૨૫ જેટલા વિદ્યાર્થીઓને બી.એ., બીએડ., બી.એસસી.,બીએડ., એમ.એ., એમ.એસસી., એમ.એસ.સી., એમ.એડ., એમ.એ. અને એમ.એસસી. ઇન એજ્યુકેશનની પદવી એનાયત કરાઇ હતી. આ ઉપરાંત આઈઆઈટીઈમાંથી શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધન અભ્યાસ પૂર્ણ કરનાર સૌપ્રથમ ૩ રિસર્ચ સ્કૉલરને પીએચ.ડી.ની પદવી એનાયત કરાઈ હતી. તમામ ફેકલ્ટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ વિજેતાને મેડલ આપી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષકના કર્મને સૌથી વધુ કઠિન અને સૌથી વધુ જરૂરી કાર્ય ગણાવીને જણાવ્યું હતું કે શિક્ષક જ સમાજ નિર્માણ અને ચરિત્ર નિર્માણનું કાર્ય કરે છે. રાજ્યપાલે શતપથ બ્રાહ્મણ ગ્રંથનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, બાળકના જીવનમાં ત્રણ ગુરુ છે. માતા-પિતા અને આચાર્ય. આ ત્રણેય ગુરુ બાળકનો શારીરિક-માનસિક સ્તરે વિકાસ સાધી શ્રેષ્ઠ, જ્ઞાન સંપન્ન, સંસ્કારવાન અને ચારિત્ર્યવાન નાગરિકોનું નિર્માણ કરે છે. બાળકની ગ્રહણશક્તિ સૌથી તેજ હોય છે તેમ જણાવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉમેર્યું હતું કે, આચાર-વિચારથી બાળક શિક્ષકનું અનુસરણ કરે છે ત્યારે, શિક્ષકોની જવાબદારી અત્યાધિક વધી જાય છે. શિક્ષકના જીવન-વ્યવહાર જ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ઉપદેશ છે તેમ જણાવી રાજ્યપાલે શિક્ષણના વ્યવસાયને આત્મસાત કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણનું શ્રેષ્ઠ સ્થાન હતું એનું કારણ એ હતું કે, શિક્ષણ સંસ્થા જ માનવ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્રનિર્માણના કેન્દ્રમાં હતી.