દિલ્હી-

કોરોના મહામારીને કારણે વિશ્વ આખું ઘરમાં પુરાયને રહી ગયું હતું. સંક્રમણ ના વધે એટલા માટે શાળા, કોલેજો, મંદિરો કે જ્યાં ભીડ જમા થાય તેવા બધા સ્થળોને બંધ કરવામાં આવ્યા હતા. હાલ સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા મોટા ભાગની છૂટો આપવામાં આવી છે. જયારે આ વર્ષે અમરનાથ યાત્રાને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાને લીધે, મોટા ધાર્મિક કાર્યક્રમો અને ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ છે. તેને ધ્યાનમાં રાખીને, યાત્રા રદ કરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં હજારો લોકો પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીને જોવા દર વર્ષે જમ્મુ-કાશ્મીર આવે છે.

કોરોના વાયરસ ચેપની સ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે આ વર્ષે પણ અમરનાથ યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. યાત્રા રદ કરવાનો નિર્ણય અમરનાથ શ્રાઇન બોર્ડની સલાહ લીધા બાદ લેવામાં આવ્યો છે. આ અંગે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સોમવારે માહિતી આપી હતી. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કહ્યું કે કોરોના વાયરસ સમયે જીવનું રક્ષણ જરૂરી છે. આથી આ વર્ષે અમરનાથ યાત્રા નહીં થાય. જો કે, તેમણે ઉમેર્યું કે પ્રતીકાત્મક પૂજા થશે. તેમણે કહ્યું કે ‘ભક્તો માટે સવાર-સાંજ ઓનલાઇન આરતીની વ્યવસ્થા કરવામાં આવશે.’