અંબાજી :  યાત્રાધામ અંબાજી ગ્રામપંચાયતમાં ટુંક જ સમયમાં ઉપ સરપંચ સામે મુકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત મુકનાર સભ્યો જ ગેરહાજર રહેતા દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો. અંબાજીની ગ્રામપંચાયત ગુજરાતની સૌથી મોટી પંચાયત માનવામાં આવે છે. આ પંચાયત કુલ ૧૮ સભ્યોની બનેલી છે. જેમાં ત્રણ માસ અગાઉ જ ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ હતી.ટૂંકા ગાળામાં ફરી એકવાર ૧૨ સભ્યોની સહીથી વિકાસ નહીં કરાતા હોવાની બાબતને લઈ ઉપ સરપંચ બળદેવ પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી. જે ને લઈ શુક્રવારે ગ્રામ પંચાયતની ખાસ બેઠક બોલાવી બળદેવ પટેલે વિશ્વાસનો મત મેળવવાનો હતો પણ અવિશ્વાસની દરખાસ્ત મુકનાર સભ્યો પૈકી એક પણ સભ્યો હાજર રહ્યા ન હતા. પરિણામે ૫ સભ્યોની ઉપસ્થિતિમાં અવિશ્વાસની દરખાસ્ત ઉડી જતા બળદેવ પટેલ ફરીથી ઉપસરપંચ તરીકે યથાવત રહ્યા છે. આ અંગે ગ્રામ પંચાયતના સેક્રેટરી જે.ડી રાવલે જણાવ્યું હતું કે અંબાજીને આ પંચાયતની બોડીમાં રાજકીય કાવાદાવા અને અંદરો અંદરના મતભેદોને લઈ વારંવાર મુકાતી અવિશ્વાસની દરખાસ્ત એ યોગ્ય નથી.આજની બેઠકમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થતા ઉપસરપંચને રાબેતા મુજબ ચાલુ રાખ્યા હોવાનું જણાવ્યું હતું.જાેકે બાર સભ્યોની સહીથી અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી. આજની બેઠકમાં પૂરતા સભ્યો હાજર ન હોવાથી એક માત્ર સહીથી અવિશ્વાસની દરખાસ્ત પરત લેવાની રજુઆત કરાઈ હતી પણ તે રજુઆતમાં બહુમતી ન હોવાથી તેને પણ અમાન્ય કરી હતી.