અંબાજી, તા.૧૦  

ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલે દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અંબાજી મંદિર અને ગબ્બર દર્શન તા.૨૪ ઓગષ્ટથી તા.૪ સપ્ટેમ્બર કુલ ૧૨ દિવસ સુધી બંધ રહેશે. તેની જાણકારી આપવા પાલનપુર કલેકટર કચેરી  ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રસંગે કલેકટરે મિડીયાને માહિતી આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા અનલોક -૩ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તે મુજબ ધાર્મિક અને, સામાજીક મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો પ્રતિબંધિત છે. તેમણે કહ્યું કે,  સરકારના હુકમ મુજબ આગામી ભાદરવી પૂનમના મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાની તથા તેના કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ રહેલી છે. 

જેથી જાહેર આરોગ્યની જાળવણી માટે પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, શોભાયાત્રા જેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવા રાજય સરકારે હુકમ કર્યો છે. કલેકટરે કહ્યું કે, આગામી ભાદરવી પૂર્ણિમાનો મહામેળો તા.૨૭મી ઓગસ્ટથી તા. ૨ ઓક્ટોબર દરમિયાન યોજાનાર હતો. ભાદરવી પૂનમના મહામેળામાં આશરે ૨પ લાખથી વધુ યાત્રાળુઓ ગુજરાત તથા બહારના રાજયોમાંથી દર્શનાર્થે આવે છે. ગત વર્ષોના અનુભવો મુજબ ભાદરવી પૂનમના મેળા પહેલા ત્રણથી ચાર દિવસોમાં અને મેળા બાદ પણ બેથી ત્રણ દિવસ યાત્રાળુઓની ખૂબ જ ભીડ હોય છે. અંબાજી ગામનો વિસ્તાર જોતાં દૈનિક ૩થી ૪ લાખ યાત્રાળુઓ એકઠા થાય તો કોરોના વાયરસ સંક્રમણની પુરેપુરી શકયતાઓ રહેલી છે. મંદિર ખુલ્લું રાખતા યાત્રાળુઓનો ધસારો વધી જાય તો કાયદો વ્યવસ્થા જાળવવી પણ ખૂબ જ મુશ્કેલ બને. આ તમામ વિગતો ધ્યાને લઈ તા.૨૪મી ઓગસ્ટથી તા.૪ સપ્ટેમ્બર એમ કુલ ૧૨ દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રાખવા ર્નિણય લેવામાં આવ્યો છે.કલેકટરે જણાવ્યું કે, યાત્રાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરેબેઠાં ઓનલાઈન માતાજીના દર્શન, ગબ્બર દર્શન, યજ્ઞ દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.