અમદાવાદ, ગત નવેમ્બરમાં નારોલમાં આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝમાં સર્જાયેલા કેમિકલ વિસ્ફોટને પગલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ૧૩ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. આ ફેક્ટરી ખેતીની જમીન પર ધમધમતી હોવાનો અને આ દુર્ઘટના માટે જમીનના માલિક અને ગોડાઉનના કબજેદાર જવાબદાર હોવાનું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ નિયુક્ત કરેલી કમિટીના અહેવાલમાં જણાવાયું છે. સાહિલ એન્ટરપ્રાઈઝમાં સર્જાયેલી આગ દુર્ઘટના ૧૩ લોકો જીવતા ભુંજાઈ ગયા હોવાની દુર્ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદની કલેક્ટર કચેરીની ઘોર બેદરકારી જાેવા મળી છે તેમજ એએમસી અને કલેક્ટર કચેરી તેમની ફરજ બજાવવામાં સરિયામ નિષ્ફળ નીવડી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ફક્ત કાગળ પર રહ્યો હોવાનું જાેવા મળે છે.

એનજીટી દ્વારા દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ બી. સી. પટેલના નેજા હેઠળ નીમાયેલી કમિટીએ ન્તા. ૨૮ જાન્યુઆરીએ સુપરત કરેલા ૬૦૦ પાનાંના રીપોર્ટમાં જણાવાયું છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્સ અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી રેગ્યુલેશન્સ સહિત તમામ સરકારી વિભાગો હયાત કાયદાકીય જાેગવાઈનું પાલન કરાવવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડયા છે.

આ રીપોર્ટમાં જણાવાયું છે કે, કલેક્ટર કચેરીના રેકર્ડ પર ખેતીની જમીન તરીકે દર્શાવાયેલ જમીન પર એએમસી દ્વારા પ્રોપર્ટી ટેક્સ સહિત ટેક્સની રકમ વસૂલ કરાતી હોવા છતાં કોર્મિશયલ અથવા ઈન્ડસ્ટ્રીયલ વપરાશ ગણીને તે જમીનના હેતુમાં કોઈ જ ફેરફાર કરાયો નહોતો. જાેખમી કેમિકલનો સંગ્રહ કરતા અને બેરોકટોક ધમધમતા આ યુનિટોની એએમસીના કર્મચારીઓ- અધિકારીઓએ સ્થળ વિઝીટ સુદ્ધાં કરી નથી. ગોડાઉન તરીકે વપરાશ માટે લીઝ પરની જમીન પર કેમિકલ ફેક્ટરીઓ ધમધમતી હોવા અંગે એએમસીના અધિકારીઓ- સ્ટાફ પણ જવાબદાર છે. નારોલ આગ દુર્ઘટના અંગે અમદાવાદ કલેક્ટર કચેરી પણ જવાબદાર છે- ખાસ કરીને તલાટીની સીધી જવાબદારી ગણાય.

કલેક્ટરના રેકર્ડ પર ખેતીની જમીન તરીકેની જગ્યામાં સંખ્યાબંધ ગોડાઉન ઉભા કરી દેવાયા અને ભાડુઆતો પાસેથી ભાડાં ઉઘરાવાતા હોવા છતાં જમીનના માલિકે ખેતીની જમીન તરીકેનું સ્ટેટસ દર્શાવવાનું ચાલુ રાખ્યું તે ફક્ત ગેરકાયદે જ ન ગણાય, પરંતુ છેતરપીંડી પણ ગણાય અને તે ખૂબ જ ગંભીર બાબત છે. તા. ૪ નવેમ્બરે સર્જાયેલી આગ દુર્ઘટના પછી કલેક્ટર કચેરી દ્વારા પોતાની કામગીરી બતાવવા માટે ફક્ત નોટિસ આપીને સંતોષ માન્યો છે. જાેખમી કેમિકલનું ઉત્પાદન, વેચાણ કરતા એકમો માટે ડીઆઈએસએચ, જીપીસીબી, વગેરે સરકારી વિભાગો વચ્ચે આંતરિક સંકલન રાખવા ભલામણ કરી છે. એનજીટીએ, નારોલ આગ દુર્ઘટનાનો ભોગ બનેલાઓના વારસદારોને રૂ. ૧૫ લાખનું વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. જ્યારે આ કમિટીએ, વારસદારોને વળતર ચૂકવવાના ગાળો રૂ. ૮.૮૬ લાખથી રૂ. ૨૪.૫૩ લાખનો રાખવા ભલામણ કરી છે. અત્યાર સુધીમાં પ્રત્યેક વારસદારને રૂ. ૪ લાખ ચૂકવાયા છે.