અમદાવાદ-

શહેરમાં કોરોનાના વધતા જતા કેસ દરમિયાન તંત્ર દ્વારા વારંવાર કોવિડ સારવાર અંગે અલગ-અલગ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેથી અમદાવાદની જનતાને રાહત દરે સારવાર મળી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હૉસ્પિટલોને પણ ડેઝીગ્નેટેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તબક્કાવાર દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત બુધવારથી નવા દરો લાગુ પાડવામાં આવશે. અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગૃપ્તા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ડેઝિગ્નેટ કરાયેલી ખાનગી કોવિડ -19 હૉસ્પિટલોની સંખ્યા, દર્દીઓની સારવાર બાબતે અનુભવ, ટેસ્ટિંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. શહેરીજનોને ખાનગી દર્દી તરીકે કોરોનાની સારવાર મેળવતી વખતે થતા ખર્ચમાં રાહત આપવા અંગે નિર્ણય કરવા માટે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન પ્રતિનિધિઓ સાથે લોકહિતમાં ખુબ જ સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત બેઠકમાં ખાનગી અને એએમસી ક્વોટા દરમાં ઘટાડો કરાયો છે. કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદની જનતાને રાહત મળે તે માટે કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરની ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અઠવાડિયામાં બીજી વખત આ પ્રકારે સારવારના દરમાં ઘટાડો કરાયો છે.