અમદાવાદ-

કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા લોકોનાં કોરોના ટેસ્ટ કરાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી આરટીઆઈમાં સામે આવી છે. એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે, કોરોના કાળ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા એન્ટિજન કીટ ખરીદવામાં ૧૪૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં લોકોનાં કોરોના ટેસ્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તંબુ બાંધીને કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.

અમદાવાદના હજારો લોકોનાં કોરોના ટેસ્ટ મફતમાં કરવામાં આવ્યા છે. પણ હવે એક આરટીઆઈમાં એક ખુલાસો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા ૩૫ લાખ એન્ટિજન કીટ ખરીદવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ૩૫ લાખની એન્ટિજન કીટ ખરીદવા માટે ૧૪૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને બે કંપનીઓ પાસેથી એન્ટિજન કીટ ખરીદવામાં આવી હતી.

એક એન્ટિજન કીટની કિંમત અંદાજે ૪૦૦ રૂપિયા છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ કોરોના સંક્રમણની તિવ્રતા ઘટી ગઈ છે. રાજ્યમાં દૈનિક ૧૫૦૦થી વધુ કેસ નોધાવા લાગ્યા હતા જે હાલમાં ઘટીને આંકડો ૩૦૦થી નિચે આવી ગયો છે. એટલુ જ નહી, ઓગસ્ટ મહિનાથી ડીસેમ્બર સુધી દર મહિને ૩૫ હજારથી વધુ કેસ નોધાયા છે. જેની સરખામણીએ જાન્યુઆરી મહિનામાં માત્ર ૧૬,૫૦૨ કેસ નોધાયા છે.