મુંબઇ

ફૂડ ડિલિવરી કંપની ઝોમાટો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવવાની યોજના બનાવી રહી છે. IPO દ્વારા કંપની રોકાણકારોને મોટી રકમ કમાવવાની તક પણ આપવા જઈ રહી છે. કંપની બજારમાંથી 650 મિલિયન ડોલર એટલે કે 4700 કરોડથી વધુ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની સપ્ટેમ્બર 2021 પહેલાં પોતાનો IPO લોન્ચ કરશે.

એપ્રિલ સુધીમાં ફાઇલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની તૈયારીઓ

એક અહેવાલ મુજબ કંપની આ IPO માટે એપ્રિલ 2021 માં માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)ને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ(RHP)નો ડ્રાફ્ટ સબમિટ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની સપ્ટેમ્બર 2021 ના ​​અંત સુધીમાં શેર બજારોમાં લિસ્ટ થવાની યોજના ધરાવે છે. આ અંગે કંપની વાટાઘાટો કરી રહી છે. IPOનું કદ 4700 કરોડ રૂપિયા આસપાસ રહી શકે છે. કંપનીએ સત્તાવાર રીતે IPO વિશે માહિતી જાહેર કરી નથી.

1800 કરોડનું નવું ભંડોળ ઉભું કર્યું

ગયા મહિને IPO પહેલાં ઝોમાટોએ તેના હાલના રોકાણકારો પાસેથી ૨૫ કરોડ ડોલર એટલેકે રૂ 1,800 કરોડ ફ્રેશ ફંડ્સ પેટે એકત્ર કર્યા હતા. આ કંપનીના Pre – IPO ફંડ તરીકે જોવામાં આવે છે. આ સાથે કંપનીનું વેલ્યુએશન હવે 5.4 અબજ ડોલર એટલે કે આશરે 40000 કરોડ થઈ ગયું છે જ્યારે ડિસેમ્બર 2020 માં કંપનીનું વેલ્યુએશન ફક્ત 28000 કરોડ હતું.

આખો સપ્તાહ વિવાદોમાં રહી

IPOના સમાચાર પૂર્વે કંપની આખા અઠવાડિયામાં ડિલિવરી માટે વિવાદમાં હતી. ઝોમાટો કંપનીના ડિલિવરી બોય પર મોડેલ અને મેકઅપની આર્ટિસ્ટ હિતેશા ચંદરાનીના નાક તોડવાનો આરોપ મૂકાયો છે. આ મામલે વિવાદ છેડાયો છે અને તેના પર સતત ચર્ચા ચાલી રહી છે. જો કે હવે હિતેશા ચંદ્રાણીની સામે એફઆઈઆર થઇ રહી હોવાનું જણાવાયું છે.