દિલ્હી-

કોરોના વાયરસના નવા કેસ આવવાનું સતત યથાવત્ છે. ભારતમાં દરરોજ હજારોની સંખ્યામાં સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી ૨૩ લાખથી વધારે લોકો કોવિડ-૧૯ની ઝપેટમાં આવી ગયા છે. રાહતની વાત એ છે કે સાજા થનારની સંખ્યા પણ વધી રહી છે. સરકાર સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવા પર વિચાર કરી રહી છે. આવા સમયે સવાલ ઉભો થાય કે કોવિડ-૧૯ના વધી રહેલા કેસ વચ્ચે માતા-પિતા બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર છે?

લોકલ સર્કલ્સના સર્વે પ્રમાણે ૬૨ ટકા માતા-પિતા પોતાના બાળકોને હાલના સમયે સ્કૂલ મોકલવા તૈયાર નથી. બીજી તરફ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે ફકત ૬ ટકા જ લોકો આગામી બે મહિનામાં મૂવી જોવા માટે થિયેયર જવા તૈયાર છે. બીજા શબ્દોમાં કહીએ તો સંક્રમણનો ડર એવો છે કે ૯૪ ટકા લોકો બે મહિના પછી પણ થિયેટર જવા તૈયાર નથી. જયારે ૬૪ ટકા લોકો બે મહિના પછી પણ મેટ્રો ટ્રેનમાં સફર કરવા ના પાડી રહ્યા છે. ફકત ૩૬ ટકા લોકો જ મેટ્રો કે લોકલ ટ્રેનમાં સફર કરવાની વાત કરી રહ્યા છે. 

સર્વેમાં દેશના ૨૬૧ જિલ્લામાં ૨૫,૦૦૦ લોકો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં ૬૪ ટકા પુરુષ અને ૩૬ ટકા મહિલાઓ હતી. લોકોને પુછવામાં આવ્યું કે શું સપ્ટેમ્બરમાં મેટ્રો કે લોકલ ટ્રેન શરૂ થાય તો તમે ૬૦ દિવસ પછી પ્રવાસ કરશો. જેના પર ફકત ૩૬ ટકા લોકોએ જ હા માં જવાબ આપ્યો હતો. ૧૩ ટકા લોકોએ ના કહ્યું હતું. જયારે ૧૩ ટકા લોકો હજું આ વિશે કશું નિશ્ચિત રીતે કહી શકયા ન હતા.