અમદાવાદ-

રાજ્યભરમાં વધતાં જતાં કોરોના કેસોની સ્થિતિ વચ્ચે હાઇકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકારનો ઉઘડો લીધો હતો. ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે પણ સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું દાખલ કરવામાં આવ્યું હતું ને રાજ્યમાં કોરોના વાયરસને રોકવા માટે શું-શું કામ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે હાઇકોર્ટમાં અમદાવાદની એમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો.

અમદાવાદમાં થોડા દિવસ પહેલા સુધી માત્ર 108માં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા. જોકે કેટલાય દિવસ સુધી ભારે વિરોધ બાદ તંત્ર દ્વારા આ નિર્ણય હટાવી દેવામાં આવ્યો હતો. આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં ગુજરાત સરકારે કહ્યું કે, 108નો નિર્ણય તો કોર્પોરેશનનો હતો અમારો નહીં. કોરોના સમયે નિષ્ફળ રહેલી રાજ્ય સરકારને હાઈકોર્ટે આજે સવાલ કરતાં કહ્યું કે, શું રાજ્ય સરકારનો કોર્પોરેશન પર કોઈ અંકુશ નથી ? શું સરકાર કોર્પોરેશનની કામગીરી પર નજર નથી રખાતી ? અને કોર્પોરેશન રાજ્ય સરકારની પોલિસીનું પાલન કેમ નથી કરતી ? દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી રહી છે. આ સંપૂર્ણ સિસ્ટમની નિષ્ફળતા છે કે જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળતા. સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ સિવાય રેમડેસિવિર ઇન્જેક્શન તથા ઓક્સિજન મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારથી વિવિધ સવાલો કર્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું કે, માંગ પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શન કેમ નથી અપાતા ? ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યા છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે ? જેના પર AG કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે, ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી અને રો મટીરિયલ વિદેશથી આયાત કરવું પડે છે જેમાં આયાત માટે 2થી 3 મહિનાનો સમય લાગે છે.