વાંસદા, તા.૨૮ 

વાંસદા ખાતે આવેલ ઉદિત હોસ્પિટલમાં કોવિડ ૧૯ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી બાદમાં હોસ્પિટલને બે મહિનામાં જ બંધ કરી દેવામાં આવી છે બીજીબાજુ જિલ્લામાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યા છે ત્યારે વહીવટીતંત્રની કામગીરી સામે લોકો અનેક સવાલ ઉભા કરી રહ્યા છે.

ઉદિત હોસ્પિટલને કોવિડ ૧૯માં રૂપાંતર કરવામાં આવ્યું હતું.જો કે આ કોવિડ૧૯ હોસ્પિટલના પ્રારંભ બાદ બે મહિનામાં જ આ કોવિડ૧૯હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી છે. હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ કોવિડ ૧૯ હોસ્પિટલને બંધ કરવા બાબતે આ વિસ્તારની જનતામાં અનેક સવાલો ઉદ્દભવ્યા છે. આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રમોદભાઈ પટેલના જણાવ્યા અનુસાર વાંસદા તાલુકામાં કોવિડ ૧૯ હોસ્પિટલનો કરવામાં આવેલ કરાર પૂર્ણ થયેલ હોય અને હાલ આ હોસ્પિટલ બંધ કરવામાં આવી છે. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના જણાવ્યા અનુસાર તાલુકામાં શરૂ કરાયેલ કોવિડ૧૯ હોસ્પિટલ જ્યારે જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે હોસ્પિટલ બંધ કરવાનું કારણ સમજાતું નથી.