વડોદરા- 

હાલ ગુજરાતમાં કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસીસ નામની વધુ એક બીમારી ચર્ચા જગાવી રહી છે. કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ બીમારી જાેવા મળી રહી છે. ત્યારે હવે અમદાવાદ બાદ વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસીસની એન્ટ્રી થઈ છે. વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસીનો કેસ જાેવા મળ્યો છે. વડોદરાની સયાજી અને ગોત્રી હૉસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના સાત કેસ સામે આવ્યા છે. કોરોના ન થયો હોય તેવા લોકો પણ આ રોગનો શિકાર થઈ રહ્યાં છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ આ દર્દીઓ મ્યુકોરમાઈકોસીસના શિકાર થયા છે. વડોદરાના સાતમાંથી બે દર્દીઓને સારવાર માટે અમદાવાદમાં મોકલાયા છે. વડોદરામાં રાહતની વાત એ છે કે, તમામ દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ગયા છે.

તબીબોના જણાવ્યા અનુસાર, આ બીમારીની સારવાર દર્દીઓને મોંઘી પડે તેવી છે, જેમાં અંદાજે ચારથી પાંચ લાખનો ખર્ચ આવે છે. ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી ૪૩ ટકા એટલે ૧૯ દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે.

વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર ૫૦ ટકા જેટલો જાેવા મળ્યો છે, જે હાલ અમદાવાદ સિવિલમાં ૨૦ ટકા જેટલો છે. આ બીમારી કોરોનાની જેમાં એક વ્યક્તિમાંથી બીજામાં નથી ફેલાતી, જે એક સારી વાત છે. હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ મ્યુકોરમાઇકોસીસના શિકાર થઈ રહ્યા છે. કોરોના આવ્યો તે પહેલા મ્યુકોરમાઇકોસીસના આખા વર્ષમાં દરમિયાન માત્ર એક કે બે કેસો જ આવતા હતા, પણ માત્ર બે મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ માત્ર ૪૪ કેસો સામે આવ્યા છે.