આણંદ : અમૂલ ડેરીના નિયામક મંડળની બિનહરિફ સિવાયની બાકી રહી ગયેલી ૧૧ બેઠકો માટેની ચૂંટણીમાં આવતીકાલે તા.૨૯ ઓગસ્ટે મતદાન યોજાવાનું છે. અમૂલની બાકી રહેલી ૧૧ મંડળી વિભાગમાં આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, માતર, નડિયાદ, કપડવંજ, વિરપુર, બાલાસિનોર, મહેમદાવાદ અને કઠલાલની બેઠક પર આવતીકાલે મતદાન થશે. આણંદ જિલ્લાની ૩ બેઠકો પર રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે. આ વખતે ધારાસભ્યો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓની સાથે કિસાન યુનિયનના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી રસાકસી જામશે. છેલ્લાં થોડા વખતમાં ગૌધનના મોતના મુદ્દે અમૂલના ચરમદાણ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું. આ વખતની અમૂલની ચૂંટણીમાં ગૌ અને ગૌવંશના મોતનો મુદ્દો જામશે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, પાંચ બિલ્ડિંગ પર ઊભાં કરવામાં આવેલાં ૧૧ મતદાન મથકો ઉપર બ્લોક મુજબ ચૂંટણી યોજાશે. કોરોના સંક્રમણને લઈને ચૂંટણી વિભાગ દ્વારા મતદાનથી માંડીને તા.૩૧મીએ યોજાનારી મતગણતરી સુધી આરોગ્ય વિભાગની કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર તમામ તકેદારીના પગલાં ભરવામાં આવ્યાં છે.

સૂત્રોનું કહેવું છે કે, અમૂલની ૧૧ બેઠકોમાં આણંદ જિલ્લાની ૩ બેઠકો પર રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે. ખાસ કરીને આણંદમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર વચ્ચે સૌથી રસપ્રદ જંગ હશે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ પણ ઝંપલાવ્યું છે. આણંદ અને ઉમરેઠ તાલુકાની બનેલી આણંદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત ગોપાલપુરાના પૂર્વ અમૂલના ડિરેક્ટર શિવાભાઈ પરમાર ઊર્ફે શિવરામ મુખી, ખોરવાડના નટવરસિંહ ચૌહાણ અને ખાંધલીના ભરતભાઈ સોલંકી પણ ચૂંટણીના મેદાનમાં ઊતર્યાં છે. જાેકે, આણંદ બેઠક પર રસાકસીનો જંગ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર વચ્ચે હોવાનું મનાઈ રહ્યું છે. બંને ક્ષત્રિય છે અને સહકારી ક્ષેત્રે મજબૂત પકડ ધરાવે છે. કાંતિભાઈ સોઢા પરમાર ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં વાઇસ ચેરમેન છે અને કોંગ્રેસ પક્ષનું સીધું સમર્થન ધરાવે છે. બીજી તરફ ગોવિંદભાઈ પરમાર ચિખોદરા દૂધ મંડળી તરફથી ઉમેદવારી કરી છે. તેઓ ઉમરેઠના ધારાસભ્ય પણ છે. પરિણામે આ બંને વચ્ચેની જંગ પર બધાની નજર ટકેલી છે.

આણંદમાં કુલ ૧૦૭ મતદારો છે. બંને તરફથી ચૂંટણી અભિયાન જાેરમાં કરાયું છે. બંનેએ બેઠક મેળવવા એડીચોટીનું જાેર લગાવ્યું છે. મતદારોને રિઝવવા માટે દરેક પ્રયાસો કર્યા છે.

આણંદ બેઠક પર મત કપાશે!?

બંને ધારાસભ્યોને છોડીને બાકીના ત્રણ ઉમેદવારો દ્વારા પણ મતબેંકમાં ગાબડું પાડવા માટે એડીચોટીનું જાેર લગાવવામાં આવ્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર અને ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને બીજા ત્રણ ઉમદેવારોને કારણે તેનાં મતો કપાઈ જશે તેવો ડર સતાવી રહ્યો છે.

હેલિકોપ્ટરના નિશાન સાથે ચૂંટણી મેદાનમાં ઊતરેલા ભારતીય કિસાન યુનિયન હેલિકોપ્ટર શોટ તો નહીં મારે ને!?

અમૂલના સત્તાધીશો સામે પશુપાલકોના નિર્દોષ ગૌવંશના ટપોટપ મોત પચી વળતર અપાવવા મેદાનમાં આવેલાં ભારતીય કિસાન યુનિયને આ મુદ્દે જ ત્રણ બેઠક પર ઉમેદવારો ચૂંટણીમાં ઊતાર્યાં છે. કિસાન યુનિયનને ચૂંટણી પ્રતીક તરીકે હેલિકોપ્ટરની ફાળવણી થઈ છે. ત્યારે પશુપાલકોમાં એવી ચર્ચા છે કે, આ ત્રણ બેઠકનું ગણિત કિસાન યુનિયન હેલિકોપ્ટર શોટ રમીને બગાડી શકે છે.

પેટલાદ બેઠક પર પટેલ વર્સિસ પટેલનો જંગ

સોજિત્રા અને પેટલાદ તાલુકાની બનેલી પેટલાદ બેઠક પર ગયાં વખતે અપક્ષ ચૂંટાઈ આવેલાં પીપળાવના તેજસભાઈ પટેલ અને રંગાઈપુરાના વિપુલભાઈ પટેલ વચ્ચે જંગ જામશે. આમ તો બંને મજબૂત ઉમેદવારો છે, છતાં તેજસભાઈ પટેલનો હાથ અહીં ઉપર દેખાઈ રહ્યો છે. તેજસભાઈ પટેલ ઊર્ફે જીગાભાઈ પેટલાદ એપીએમસીમાં ચેરમેન પણ છે. તેમનો રેકરેડ એવું કહે છે કે, ગત ઇલેક્શનમાં તેઓએ રામસિંહ પરમારની પેનલના ઉમેદવારને હરાવ્યો હતો.

બોરસદ બેઠક પર રાજેન્દ્રસિંહની જીત નિશ્ચિત

આંકલાવ અને બોરસદ તાલુકાની બનેલી બોરસદ બેઠક પર અમૂલના વાઈસ ચેરમેન અને બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સામે આંકલાવના જિતેન્દ્રકુમાર પટેલ ચૂંટણી મેદાનમાં છે. અહીં જિતેન્દ્રકુમાર પટેલે રાજેન્દ્રસિંહ પરમારને ટોકો જાહેર કરતાં ચૂટંઈ માત્ર ઔપચારિક રહી ગઈ છે.

ચૂંટણીપ્રક્રિયા નિયમ વિરુદ્ધ?

આણંદ, તા.૨૮

ગુજરાત સરકાર કૃષિ અને સહકાર વિભાગના તા.૨૫ ઓગસ્ટના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રસિદ્ધ થયેલાં જાહેરનામામાં એવું જણાવાયું છે કે, ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય એ પછી મતદાન વચ્ચે ઓછામાં ઓછા ૪૫ દિવસનો સમયગાળો હોવો જાેઈએ, પણ અમૂલની ચૂંટણીમાં આનો સીધો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની રજૂઆત આજે ભારતીય કિસાન યુનિયને કરતાં ખળભળાટ મચી ગયો હતો.

ભારતીય કિસાન યુનિયનના રવિ પટેલે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી અધિકારીને એક સીધી રજૂઆત કરી છે. અમારું કહેવું છે કે, ધી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડની યોજાઈ રહેલી ચૂંટણીમાં જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ ઓછામાં ઓછા ૪૫ દિવસનો સમયગાળો રાખવો જરૂરી છે. આવું ખુદ ગુજરાત સરકાર કૃષિ અને સહકાર વિભાગના તા.૨૫ ઓગસ્ટના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રસિદ્ધ થયેલાં જાહેરનામામાં જણાવાયું છે. અમૂલની ચૂંટણીનું જાહેરનામું તા. ૩૦ જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાના કુલ ચાર પાનાંના અંતે જે.સી.દલાલે ચૂંટણી અધિકારી તરીકે સહી કરેલી છે. હવે મતદાનની તા.૨૯ ઓગસ્ટ નિર્ધારિત કરી છે ત્યારે ઓછામાં ઓછા ૪૫ દિવસની મુદતનો ભંગ થઈ રહ્યો છે. ચૂંટણીના જાહેરનામા અને મતદાન વચ્ચે માત્ર ૩૦ દિવસનો સમયગાળો થાય છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ૪૫ દિવસ ન થતાં હોવાથી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિયમો વિરુદ્ધ થતી હોવાનું જાણવા મળેલ છે.

તેઓએ એવો પણ દાવો કર્યો છે કે, મતદાર યાદી પ્રસિદ્ધિથી ગણીએ તોપણ મતદાર યાદી તા.૨૪ જુલાઈના રોજ પ્રસિદ્ધ થઈ હતી. આ હિસાબે પણ ૩૭ દિવસ જ થાય છે.

કહેવાતા સહકારી નેતાઓને નોટાનું નામ પડતાં પરસેવો કેમ છૂટી રહ્યો છે?

આણંદ, તા.૨૮

એશિયાના સૌથી મોટાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર અમૂલ ડેરીની ચૂંટણી સત્તાનો સ્વાદ ચાખી ગયેલાં નેતાઓ બેઠક ગુમાવી ન પડે તે માટે સ્થાનિક તંત્ર સાથે મળીને કાવાદાવા રચી રહ્યાંનો આક્ષેપ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ દરેક ચૂંંટણીમાં મતદારોને પસંદગીની પૂરેપૂરી તક આપવી જાેઈએ. કોઈ મતદારોને એકેય ઉમેદવાર પસંદ ન હોય તો પોતાનો મતદાનનો અધિકાર વેડફાય નહીં તે માટે નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જાેકે, અમૂલ ડેરીની ચૂંટણીમાં ઘણાં નિયમોને સત્તાધીશો ઘોળીને પી ગયાંનો આક્ષેપ થઈ રહ્યો છે. આ આક્ષેપમાં સૌથી આગળ નોટા છે. અમૂલની ચૂંટણીના બેલેટ પેપર પર નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો જ નથી. અમૂલ ડેરીમાં સત્તા ભોગવી ચૂકેલાં કહેવાતાં સહકારી નેતાઓને નોટાનું નામ પડતાં પરસેવો કેમ છૂટી રહ્યો છે? એવાં સવાલો પશુપાલકોમાં પૂછાઈ રહ્યાં છે. મતદારોનો આક્ષેપ છે કે, અમૂલની ચૂંટણીમા બેલેટ પેપર પર નોટાનો વિકલ્પ મૂકવામાં આવ્યો નથી, જે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચના આદેશનું સીધેસીધું ઉલ્લંઘન છે. આ મુદ્દે ભારતીય કિસાન યુનિયન દ્વારા ચૂંંટણી અધિકારી સહિત રાજ્યના કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.