અમદાવાદ, ગુજરાતની ૬ મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનો મહાદિવસ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે ૭ ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ હતી. ગૃહમંત્રી અમિત શાહ આજે મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે અમદાવાદ આવ્યા છે. તેમણે નારણપુરામાં પોતાના વોર્ડમાં મતદાન કર્યું હતું. સમગ્ર પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બૂથથી બહાર આવ્યા બાદ તેમણે વિક્ટરી સાઈન બતાવી હતી. મતદાન વેળાએ અમિત શાહ પોતાની લાડલી પૌત્રી સાથે દેખાયા હતા. મતદાન બાદ સમગ્ર શાહ પરિવારે વિક્ટરીની સાઈન બતાવી હતી. મતદાન બાદ તેમણે કહ્યું કે, આજે ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીથી શરૂ થઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના શ્રીગણેશ થયા છે. ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસયાત્રા શરૂ કરી હતી. જંગલ, પહાડી, સાગર, શહેર-ગામમાં સર્વસમાવેશી સર્વસ્પશીય વિકાસની શરૂઆત કરી. આ યાત્રા સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે. ભારતમાંથી અનેક રાજ્યો એ દિશામાં સંપૂર્ણ વિકાસ માટે આગળ વધી રહ્યાં છે. મને આશા છે કે, ભારે સંખ્યામાં ગુજરાતના મતદાતા મતદાન કરશે અને અંતે વિજય વિકાસનો જ છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપે દેશભરમાં વિજયનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે જ્યાંથી વિજયની શરૂઆત થઈ છે, તે ગુજરાતમાં ભાજપ ફરીથી વિજય મેળવશે.