મુંબઈ-

કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે અમિતાભની હાલત હવે સ્થિર છે. ગઈકાલે રાત્રે અમિતાભ બચ્ચને હોસ્પિટલમાંથી એક વીડિયો જાહેર કરતાં કહ્યું હતું કે, કોઈ રીતે ડોકટર ભગવાન બનીને દર્દીઓની સંભાળ લઈ રહ્યા છે. વીડિયોના માધ્યમથી અમિતાભ બચ્ચને સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો કે આ મુશ્કેલ સમય છે, પરંતુ ડોક્ટરોનાં રૂપમાં ભગવાન દરેકની સાથે છે. તેમણે કહ્યું કે કેવી રીતે ડોકટરો, નર્સો અને અન્ય તબીબી સ્ટાફ માનવજાતને બચાવવા માટે કાર્ય કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચને કહ્યુ કે, 'ગત સમયમાં મેં ગુજરાતનાં સુરતમાં એક બિલબોર્ડ વાંચ્યું. તેના પર લખ્યું હતું, તમે જાણો છો કે મંદિર કેમ બંધ છે? કારણ કે ભગવાન સફેદ કોટમાં હોસ્પિટલોમાં કામ કરી રહ્યા છે. ડોક્ટરોમાં ભગવાનનું સ્વરૂપ છે. તમે બધા ખૂબ મહેનત કરી રહ્યા છો. તમે માનવતા માટે કામ કરી રહ્યા છો. તેઓ જીવનદાન આપનાર બની ગયા છે. હું તમને નમસ્કાર કરું છું. જો તમે ન હોત, તો માનવતા કેવી રીતે બચી શકતી. આ દિવસો થોડા નિરાશાજનક છે. દરેક જગ્યાએ ભય, નિરાશા છે. દરેક વ્યક્તિ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. આથી ડરશો નહીં. ગભરાશો નહીં. આપણે બધા સાથે છીએ દરેક વ્યક્તિ એક સાથે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી જશે.