અમરેલી-

ધારીમાં ચાર વર્ષ પહેલા ૧૬ વર્ષની સગીરાનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં સગીરાની હત્યા કરી તેનો મૃતદેહ દાટી દીધો હતો. ચાર વર્ષ બાદ અમરેલી એલસીબીએ આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સગીરાનો મૃતદેહ દાટ્યો હતો તે જગ્યાએ તપાસ કરતા અને ખોદકામ કરતા સગીરાના અસ્થિઓ મળી આવ્યા હતા. 

આ બનાવમાં મુખ્ય આરોપી વિમલ વિનુભાઈ ભારોલા અને તેની મદદ કરનાર જયરાજ મંગાભાઈ પરમાર અને હિતેશ ભનુભાઈ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. ચાર વર્ષ સુધી સગીરાના થયેલા અપહરણનો ભેદ નહીં ઉકેલાતા આરોપીઓ નિશ્ચિત બની ગયા હતા. પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓને શોધી કાઢ્યા હતા. મુખ્ય આરોપી વિમલે સગીરાનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાળાને દાટી દીધી હતી.

આરોપીએ જગ્યા બતાવી ત્યાં ખોદકામ કરતા માનવ અસ્થિઓ મળી આવી હતી. સગીરાની અસ્થિઓ પીએમ અને સાયન્ટિફિક તપાસણી માટે ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ સર ટી. હોસ્પિટલ ભાવનગર મોકલી આપ્યા છે.