વડોદરા, તા.૩ 

વિશ્વામિત્રી નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિના પગલે અનેક સ્થળે મગરો બહાર આવી ગયા હતા. ત્યારે કલાલી ગામ પાસે વિશ્વામિત્રી નદીમાં એક ૮ ફૂટનો મગર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જ્યારે કલાલી ગામમાં જ શાળાની પાસે આવી ગયેલા ૪.૫ ફૂટના મગરને રેસ્કયૂ કરી બંને મગર વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને સવારે કલાલીના સ્થાનિક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે કલાલી ગામ પાસે વિશ્વામિત્રીમાં એક મગર મૃત હાલતમાં છે. આ કોલ મળતાંની સાથે જ સંસ્થાના કાયર્કર અને વન વિભાગના અધિકારી ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં ૮ ફૂટનો મગર વિશ્વામિત્રી નદીના પટમાં મૃત હાલતમાં જોવા મળ્યો હતો. આ મગરને ભારે જહેમત બાદ બહાર કાઢીને વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. રાતે ૧૦ વાગે કલાલી ગામમાંથી રોહિતભાઈનો ફોન આવ્યો હતો કે એક મગર કલાલી ગામની સરકારી શાળાની બાજુમાં આવી ગયો છે. આ અંગેનો કોલ મળતાં સંસ્થાના કાર્યકર મનીષ બિષ્ટ સહિત વન વિભાગના અધિકારી નીતિનભાઇ સાથે પહોંચીને શાળાની બાજુમાં આવી ગયેલા ૪.૫ ફૂટના મગરને રેસ્કયૂ કર્યો હતો.