વડોદરા, તા.૧૦ 

શહેર નજીક તરસાલી બ્રિજથી આગળ રાઘવપુરા ગામના ખેતરમાં મધરાત્રે મગર દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતાં વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંચ ફૂટના મગરને રેસ્કયૂ કરીને વનચેતના કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો.

ચોમાસાના પ્રારંભ સાથે મગરો, સરિસૃપો સહિત જળચળ બહાર આવી જવાની શરૂઆત થઈ છે ત્યારે ગત મધરાત્રે તરસાલી બ્રિજથી આગળ આવેલ રાઘવપુરા ગામના સરપંચનો વન વિભાગને કોલ આવ્યો હતો કે, ઘરની પાછળના ભાગમાં ખેતરમાં મગર આવી ગયો છે, જેથી વન વિભાગના નીતિન પટેલ તેમની ટીમ સાથે દોડી ગયા હતા અને પાંચ ફૂટના મગરને રેસ્કયૂ કરીને વનચેતના કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.