વડોદરા : શહેરના પાણીગેટ રાજારાણી તળાવ પાસે આવેલા કબ્રસ્તાન નજીક શનિવારે રાત્રે મગર આવી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ જીએસપીસીએને કરાતાં સંસ્થાના કાર્યકરો તરત જ દોડી ગયા હતા અને ૬ ફૂટના મગરને રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો. 

વરસાદની સીઝનમાં નદી, નાળાં, તળાવોમાં પાણી વધતાં મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જવાની શરૂઆત થઈ છે. શનિવારે રાત્ર જીએસપીસીએ અને વાઈલ્ડલાઈફ એસઓએસ રાજ ભાવસારને પાણીગેટ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે, રાજારાણી તળાવ પાસે આવેલ કબ્રસ્તાન નજીક મોટો મગર આવી ગયો છે.

આ અંગેની જાણ વન વિભાગના નીતિન પટેલને કરીને સંસ્થાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ૬ ફૂટના મગરને પકડીને વન વિભાગને સુપરત કર્યો હતો. વન વિભાગે મગરના મેડિકલ ચેકઅપ બાદ ફરી સુરક્ષિત સ્થળે નદીમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.