વડોદરા : વડોદરા શહેરના અકોટા ગામમાં સરકારી સ્કૂલ્ની પાછળ પાલિકાની ખૂલ્લી જગ્યામાં ગેરકાયદેસર બંધાયેલા મકાનો પૈકી એક મકાનમાં આસિફ વોરા નામનો શખ્સ ગેરકાનૂની કતલખાનું ચલાવતો હતો. જે.પી.રોડ પોલીસને આ અંગેની બાતમી મળતાં જ રેડ કરી હતી, જેમાં માંસ વેચવાનું વ્યવસ્થિત કૌભાંડ બહાર આવ્યું હતું. જાે કે, પકડાયેલા માંસનો જથ્થો ગૌમાંથી છે કે કેમ? તેની તપાસ માટે પોલીસે એફએસએલની મદદ લીધી છે.  

શહેરના અકોટા ગામના રહેણાંક વિસ્તારમાં કેટલાંક સમયથી ગેરકાયદેસર કતલખાતું ચાલતું હતું જે અંગેની બાતમી જે.પી.રોડ પોલીસને મળી હતી. પોલીસે રેડ કરતાં હનીફ નામની વ્યક્તિ ઝડપાતાં અટક કરી હતી. પોલીસે કતલખાના અંગે પકડાયેલા હનીફની પૂછપરછ કરતાં તેને કતલખાનામાં કપાતાં પશુઓનું માંસ આશિષ વોરા કેળાવાળાના મકાનમાં રખાતું હોવાનું જણાવતાં પોલીસે ઉક્ત મકાનમાં દરોડો પાડયો હતો અને માંસનો જથ્થો મકાનના ડ્રીપ ફ્રીજમાંથી મળી આવ્યો હતો. પોલીસે કતલખાનું ચાલે છે તે સ્થળતપાસ કરાં આ જમીન-પ્લોટ પાલિકાની છે અને સ્કૂલ માટેનો અનામત હોવાનું બહાર આવ્યું છે. પાલિકાની આ જમીનમાં વરસોથી ઝુંપડાં અને પાકાં મકાનો બંધાઈ ગયા છે જેમાં આ ગેરકાયદેસર કતલખાનું ચાલતું હતું તેવી વિગતો બહાર આવી છે.

આ કતલખાનું રેલવેલાઈન પાસે આવેલું છે અને પશુઓની ચોરી કરીને અહીં લવાતાં હતાં અને પશુઓની કતલ કરીને તેનું માંસ આ ડ્રીપ ફ્રીજમાં રાખ્યા બાદ તેનું વેચાણ કરાતું હતું. આ બનાવમાં મકાનમાલિક અને રમેશ નામની વ્યક્તિની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પાલિકાને જમીન-પ્લોટ અંગે જાણ કરીને પકડાયેલું માંસ ગૌમાંસ છે કે કેમ? તેની ચકાસણી કરાવવા માટે એફએસએલની મદદ લેવાઈ છે.