સુરત-

પલસાણા તાલુકાનાં વરેલી ગામે રહેતા સગીર સહિત ત્રણ યુવાનો એક જ બાઇક ઉપર સવાર થઈ સુરત કડોદરા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક બાઇક આગળ ગાય આવી જતાં ચાલક યુવાને બાઇક ગાય સાથે અથડાવી દીધી હતી. સર્જાયેલા અકસ્માતમાં પાછળ બેઠેલ એક સગીરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

મળતી માહિતી મુજબ પલસાણા તાલુકાનાં વરેલી ગામે પટેલનગરમાં રહેતા વિક્કીકુમાર સંજયસિંગ સિંગ નાઓ મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. તેમનો નાનોભાઈ અનુરાગ (ઉ.વ.15) કે જે આ જ સોસાયટીમાં રહેતા શિવું શ્યામલાલ યાદવ તથા રોહિત ઘોલ તિવારી (ઉ.વ.13 સાથે શિવું યાદવની બાઇક નંબર જીજે-19-એસી-6320 પર સવાર થઈ કામ અર્થે વરેલી જઈ રહ્યા હતા તે સમયે સુરત કડોદરા રોડ ઉપર શિવરોડ લાઇન્સની સામેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે અચાનક તેમની બાઇક આગળ ગાય આવી જતાં શિવું યાદવે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઇક ગાય સાથે અથડાય હતી. સર્જાયેલા અકસ્માતમાં આ ત્રણે જણા નીચે પટકાયા હતા. જેમાં અનુરાગ સિંગને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જ્યારે શિવ યાદવ અને રોહિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કડોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે