અરવલ્લી,બાયડ : બાયડ તાલુકાના સાઠંબાના પટેલના મુવાડા ગામે રહેતા દ્વારકાધીશ અંબાલાલ પટેલ ઉફે જિગાભાઈના ઘરે વનવિભાગે બાતમી હકીકતના આધારે રેડ કરતા તેમના ઘરમાંથી પીપડામાં સંતાડેલી ૬ ઘુણી અને ૨ કાચબા સાથે આરોપીને પકડી પાડી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન વન્ય જીવોની તસ્કરી કરતી ટોળી સક્રિય બની છે. થોડા દિવસો પહેલા શામળાજીમાં સેન્ટ્રો કારમાં કીડીખાઉની તસ્કરી કરતી આંતર રાજ્ય તસ્કરી ગેંગના ઉત્તરાખંડના એક તસ્કરની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે ફરાર થઇ ગયેલા આરોપીઓની ચાલી રહેલી તપાસમાં સ્થાનિક વન વિભાગ અને પોલીસ કંઇ ઉકાળી શકી નથી. હાલમાં જ અરવલ્લી જિલ્લામાં શામળાજી વનવિભાગ દ્વારા કીડી ખાઉની તસ્કરી કરતા ઉત્તરાખંડના એક ઈસમને પકડી પાડ્યો હતો.અરવલ્લી જિલ્લામાં આવા અનેક હેરાફેરીના અને વન્યજીવોને મારવા તેમજ મારી નાખવાના કિસ્સાઓ બને છે પણ ઘટના માત્ર ચર્ચાઓમાં જ રહી જાય છે.