વડોદરા, તા.૧૩, 

વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ -૯ અને આસપાસના વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને પાલિકાના કમિશ્નર નલિન ઉપાધ્યાય સમક્ષ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના શહેર પ્રમુખ હરીશ ચૌહાણની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જેમાં જણાવ્યું છે કે, વોર્ડ-૯ના વિસ્તારમાં આવેલ એકતાનગર,રામ રહીમનગર,લક્ષ્મીનગર,લેપ્રસી વસાહત તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદી તેમજ ગટરના પાણીના નિકાલની સૌથી મોટી સમસ્યા છે. આ પાણી પ્રત્યેક ચોમાસામાં લોકોના ઘરમાં ભરાઈ જાય છે.આ સમસ્યાના કાયમી ઉકેલને માટે સતત પાંચ વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.જેને લઈને લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા માલમિલ્કતને પારાવાર નુકશાન પહોંચે છે. આને લઈને કોરોનાની મહામારીમાં રોગચાળો વકરવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.આને માટે પાલિકાના તંત્રની નિષ્ક્રિયતાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.જો આ સમસ્યાનો આગામી દશ દિવસમાં નિકાલ કરવામાં આવશે નહિ તો પાલિકાની કચેરી સમક્ષ સ્થાનિકો દ્વારા ધરણા અને આંદોલન કરવામાં આવશે.