વડોદરા,તા.૨  

વડોદરા શહેરમાં સોમવાર ત્રીજી ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી ફિક્કી રહેવાના સંકેતો બજારમાંથી મળી રહયા છે.પ્રતિ વર્ષની માફક આ વર્ષે શ્રાવણી સેલનું પણ સારું એવું ધોવાણ થતા વેપારીઓની આર્થિક તરલતા આવવાની એકમાત્ર આશા પર પાણી ફરી વળ્યું છે.તેમજ આર્થિક તરલતા અધ્ધરતાલ રહેતા નિરસ ઘરાકીને લઈને વેપારીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.જો કે આ વર્ષે મોટાભાગના ભાઈ બહેનો વચ્ચે સોશ્યલ મીડિયાના વોટ્‌સએપ વિડિઓ કોલિંગના માધ્યમથી રક્ષાબંધનની ઉજવણી થશે એમ મનાઈ રહ્યું છે.હાલમાં બજારમાં દ્રાયફ્રૂટ,મીઠાઈ ,ફરસાણ,સોના ચાંદીના વેપારીઓ,જવેલર્સને ત્યાં રક્ષાબંધનની ખરીદીને માટે છેલ્લી ઘડી સુધી કોઈપણ પ્રકારની ઘરાકી જોવા મળી નથી.જેને લઈને છેલ્લી ઘડીએ ઘરાકી નીકળશે એવી વેપારીઓની આશા પાર પાણી ફરી વળ્યું છે.કોરોનાની મહામારીને લઈને ચાલેલા મંદીના વિષચક્રની અસર હવે તહેવારો ટાણે પણ જોવા મળી રહી છે. શ્રાવણની અપેક્ષિત ઘરાકી ન નીકળતા દિવાળીના વેપારમાં પણ મંદીનું મોજું ફરી વળશે.એવા વિચાર માત્રથી વેપારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ બજારોમાં જોઈએ એવી ભીડ જોવા ન મળતા સવારથી જ વેપારીઓ માથે હાથ દઈને બેઠેલા જોવા મળ્યા હતા.આજે વરસાદ ન હોવા છતાં ઘરાકી ન નીકળતા બજારમાં ચિંતા જોવા મળી રહી છે.જો કે તેમ છતાં કેટલાક વેપારીઓ રાત સુધીમાં કે સવારે ઘરાકી નીકળવાની આશા રાખી રહયા છે.પરંતુ તેમ છતાં એકંદરે બજારમાં સુસ્ત વાતાવરણ જોવા મળી રહ્યું છે.

કોરોના વોરિયર્સના સન્માન સાથે રક્ષાબંધનની ઉજવણી

વડોદરા આરએસપી દ્વારા પ્રદેશ અધ્યક્ષ અને કાઉન્સિલર રાજેશ આયરે,કાઉન્સિલર પૂર્ણિમા આયરે અને હેમલત્તા ગોર સહિતના કાર્યકર્તાઓએ ગોત્રી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા ડોક્ટર,નર્સ,હેલ્થ વર્કરો સાથે રક્ષાબંધનની ઉજાવની કરી હતી.