વડોદરા, તા. ૧૭

વિશ્વવિખ્યાત મ.સ.યુનિ.ના સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટમાં ધોળેદહાડે જાહેરમાં એક વિદ્યાર્થિનીએ નમાજ પઢવાના ચકચારભર્યા કિસ્સામાં યુનિ.ના સત્તાધીશોએ વિવાદથી બચવા માટે સમગ્ર બનાવ પર ઢાંકપીછોડો કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આવા ગંભીર બનાવના છ દિવસ બાદ પણ બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજ પઢનાર વિદ્યાર્થિની કોણ છે ? અને તે ખરેખર ફેકલ્ટીની વિદ્યાર્થિની છે કે પછી યુનિ. કેમ્પસમાં વારંવાર ગેરકાયદે ધુસીને અરાજકતા ફેલાવતા અસામાજિક તત્વોની ગેંગની કોઈ સભ્ય છે ? તેની સુધ્ધા યુનિ.ના સત્તાધીશોને જાણકારી મળી નહી શકતાં યુનિ.નું વહીવટી અને સિક્યુરીટી વિભાગ આવા બનાવોની તપાસમાં કેટલું ગંભીર છે તેની પણ પોલ ઉઘાડી પડી છે.

મ.સ.યુનિ.ના સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટમાં ગત ૧૩મી જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ પતંગોત્સવમાં વ્યસ્ત હતા તે સમયે બપોરને સમયે બોટની ડિપાર્ટમેન્ટના બીજા માળે ડ્રીન્કીંગ વોટર એરિયામાં દિવાલ તરફ એક વિદ્યાર્થીએ સાદડી પાથરી નમાજ પઢી હતી. આ સમગ્ર ઘટનાનો એકમાત્ર ‘લોકસત્તા-જનસત્તામાં’ અહેવાલ પ્રસિધ્ધ થતાં ભારે હોબાળો મચ્યો હતો. આ સમગ્ર ઘટનાની સાયન્સ ફેકલ્ટીની લોકલ કમિટીને તપાસ કરવાનો આદેશ કરાયો હતો જયારે આજે મ.સ.યનિ.માં મળેલી હાઈ પાવર કમિટીની બેઠક મળી હતી જેમાં યુનિ.માં અગાઉ થયેલી મારામારીની ઘટના સાથે બોટની વિભાગમાં વિદ્યાર્થિની દ્વારા નમાજ પઢવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો.

 આ બેઠક અંગે મળતી વિગતો મુજબ આ બંને ઘટનાના સાક્ષી એવા ૯ વિદ્યાર્થીઓના કમિટી સમક્ષ પુછપરછ કરી નિવેદનો મેળવાયા હતા જેમાં નમાજ પઢવાની ઘટના બની હોવાનું વિદ્યાર્થીઓએ સ્વીકારી હોવાની વિગતો સાંપડી છે. બીજીતરફ આ સમગ્ર ઘટના અંગે પહેલેથી જ સેફ મોડમાં આવી ગયેલા સાયન્સ ફેકલ્ટીના ડીન હરિભાઈ કટારિયાએ આજે સમગ્ર વિવાદથી હાથ ખંખેરવા માટે માત્ર પાંચ લીટીનો એક જાહેર પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં એવી સુફિયાણી સુચના આપવામાં આવી હતી કે હવેથી સાયન્સ ફેકલ્ટીમાં કોઈ પણ વિદ્યાર્થી કે ફેકલ્ટી મેમ્બર્સ ધાર્મિક પ્રવૃત્તી કરી શકાશે નહી અને આ સુચનાનો ભંગ કરનાર સામે શિસ્તભંગના પગલા લેવાશે. જાેકે આ સમગ્ર ઘટનામાં સાયન્સ ફેકલ્ટીની લોકલ કમિટીની ફરજ એ છે કે નમાજ પઢનાર વિદ્યાર્થિની કોણ છે? અને તે ખરેખર સાયન્સ ફેકલ્ટીની છે કે પછી યુનિ. કેમ્પસમાં વારંવાર ગેરકાયદે ધુસીને અરાજકતા ફેલાવતા અસામાજિક તત્વોની ગેંગની કોઈ સભ્ય છે ? પરંતું આ રીતે સામાન્ય પરિપત્ર બહાર પાડી યુનિ.ના સત્તાધીશો જે રીતે સમગ્ર બનાવ પર ઢાંકપીછોડાનો પ્રયાસ કરી રહ્યા છે તે ભવિષ્યમાં ફરી આવી ઘટનાનું પુનરાવર્તન થાય તે માટે એક જાતનું પ્રોત્સાહન છે તેવું શિક્ષણવિદોનું માનવુ છે.

નમાજના મુદ્દે મિડિયામાં પ્રતિક્રિયા આપનાર વિદ્યાર્થીને ધમકી

બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજના વિવાદ અંગે ટીવાય બીએસસી બોટની ડિપા.ના ૨૦ વર્ષીય વિદ્યાર્થી અને રોયલ ક્લબ ઓફ સાયન્સ ગ્રુપના સભ્ય કુલદીપ જાેષીએ મિડિયામાં પ્રતિક્રિયા આપી હતી જેની અદાવતે આજે સવારે તેને નાગરવાડામાં રહેતા અમ્માર ગાજિયાવાલાએ કોલેજ બહાર રોડ પર મળી ધમકી આપી હતી કે મુસ્લીમ છોકરી નમાજ પઢતી હોય જે બાબતે તે મિડિયાવાળાને બાઈટ આપી છે જેથી હું તારા ટાંટીયા તોડી નાખી જાનથી મારી નાખીશ. ગત રાત્રે પણ તેણે મોબાઈલ ફોન પર ‘ તું હોતા કોન હૈ બાઈટ દેને વાલા ’તેમ કહી અપશબ્દો બોલી મારવાની ધમકી આપી હતી. આ અંગે કુલદીપે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમ્માર ગાજિયાવાલા સામે ગુનો નોંધી તેની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.

માત્ર સાયન્સ ફેકલ્ટી પુરતું નહી પરંતું સમગ્ર યુનિ.માટે પરિપત્ર જાહેર કરો

સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપા.માં વિદ્યાર્થિનીના નમાજના મુદ્દે ભેરવાયેલા સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા હવેથી સાયન્સ ફેકલ્ટીમાં કોઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તી નહી કરી શકાય તેવો પરિપત્ર બહાર પાડવા અંગે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસો.દ્વારા એવી માગણી કરાઈ છે કે ધાર્મિક પ્રવૃત્તી પર માત્ર સાયન્સ ફેકલ્ટીમાં જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છો તે પ્રતિબંધ માત્ર એક ફેકલ્ટી પુરતો નહી નહી પરંતું સમગ્ર યુનિ.માં આ લાગુ કરવામાં આવે.

એક વાર થાય તો ભુલ, પરંતુ ત્રણ-ત્રણ વખત થાય તે ચોક્કસ કાવત્રુ

શિક્ષણધામમાં નમાજના વિવાદ અંગે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડો.જ્યોર્તિનાથ મહારાજે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે યુનિ.ના સંસ્કૃત ડિપાર્ટમેન્ટ ત્યારબાદ યુનિટ બિલ્ડીંગ ખાતે અને હવે બોટની ડિપાર્ટમેન્ટમાં નમાજ પઢવાની ઘટના બની છે. એક વાર બિનઈરાદાપુર્વક કોઈ કોઈ ભુલ કરે તો તેને ભુલ માની શકાય પરંતું સતત ત્રણ ત્રણ વખત જાે એક જ પ્રકારની ભુલ થાય તો તે ભુલ નહી પરંતું ચોક્કસ પ્રકારનું કાવત્રુ હોવાનું મારુ માનવુ છે અને આ અંગે કાર્યવાહી કરવા મે યુનિ.સત્તાધીશોને પણ અગાઉ ફરિયાદ કરી છે.

નમાજ વિવાદની યુનિ. દ્વારા પોલીસને જાણ કરાઈ

મ.સ.યુનિ.માં અવારનવાર નમાજ પઢવાના વિડીઓ વાયરલ થતાં યુનિ.માં શૈક્ષણીક અને શાંતિનું વાતાવરણ ખોરવાઈ રહ્યું છે તેને ધ્યાનમાં લઈને આ બનાવ સંદર્ભે યુનિ.કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે યુનિ.ના સત્તાધીશોએ આજે શહેર પોલીસ તંત્રને જાણ કરી છે. યુનિ.દ્વારા વ્યક્ત કરાયેલી દહેશતના પગલે હવે આ બનાવની એ-ડિવિઝનના એસીપી ડી.જે.ચાવડાએ તપાસ શરૂ કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.