વડોદરા શહેરમાં નિરંકુશ બનેલા જીવલેણ કોરોનાની મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. અને મોટી સંખ્યામાં દર્દીઓ મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણની સુનામી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સપડાતાં ૧૦૮ એમ્બ્યુલન્સને પણ રોજના દોઢસોથી વધુ કોલ મળી રહ્યા છે તેવા સમયે ૧૦૮ દ્વારા કોરોના સંક્રમિત બનેલા એક વૃદ્ધ દર્દીને લઈને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતેના કોવિડ કેર સેન્ટર પર આવી પહોંચી હતી, જ્યાં ૧૦૮ના કર્મચારીઓ વૃદ્ધ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં લઈ ગયા બાદ સ્ટ્રેટર પર સૂવડાવી કેસ કઢાવવાના બહાને વૃદ્ધ દર્દીને મુકી હોસ્પિટલમાંથી રવાના થઈ ગયા હતા. બીજી તરફ તબીબોએ આ વૃદ્ધ દર્દીની મેડિકલ તપાસ કરતાં તે મૃત હોવાનું જણાઈ આવ્યું હતું. આ મૃત વૃદ્ધ દર્દી સાથે તેમના કોઈ સગાં સાથે ન હોવાથી બિનવારસી શંકાસ્પદ કોવિડ દર્દીના સગાની શોધખોળના પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ મૃત વૃદ્ધ દર્દી સ્ટ્રેચર ઉપર સૂવડાવેલ નજરે પડયા હતા.