ગાંધીનગર-

ગુજરાત પોલીસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, મોટા તોડકાંડ સામે આવ્યાં પછી રાજ્યની વિજય રૂપાણી સરકારે આર આર સેલને નાબૂદ કરી નાખવાનો મોટો નિર્ણય લીધો છે, સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઇને કોઇ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેશે નહીં, જમીન માફિયાઓ માટે લેન્ડ ગ્રેબિંગ કાયદો લવાયો છે,તે કાયદા હેઠળ અનેક માફિયાઓ સામે કાર્યવાહી કરાઇ છે, સાઇબર ક્રાઇમ પણ સક્રિય છે અને આરોપીઓ સામે કાર્યવાહી થઇ રહી છે.

પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં જમીન માફિયાઓ સામે અરજીઓ આવી છે, અંદાજે 220 કરોડ રૂપિયાની જમીનો મામલે કેસ થયા છે, સાથે જ 1220 શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાઇ છે. રાજ્યમાં એસીબી સક્રિય છે અને લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ સામે કાર્યવાહી વધુ ઝડપથી થઇ રહી છે બીજી તરફ પોલીસકર્મીઓ સામે મળતી ફરિયાદો બાદ આગામી સમયમાં પીઆઇ અને પીએસઆઇના યુનિફોર્મ પર કેમેરા લગાવવાનો મોટો નિર્ણય કરાયો છે. 

CM રૂપાણીએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર સામે તેમની સરકાર કડક કાર્યવાહી કરી રહી છે, 1995 થી અમલમાં આવેલા પોલીસ આરઆર સેલને નાબૂદ કરી દેવાનો સૌથી મોટો નિર્ણય કરાયો છે. તેની જગ્યાએ હવે એસપીને વધુ પાવર આપવામાં આવશે. નોંધનિય છે કે દરકે જિલ્લામાં આરઆર સેલ સક્રિય હતો જે રેન્જ IGના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતો હતો પરંતુ હાલમાં જ આર.આર.સેલના કોન્સ્ટેબલે આણંદમાંથી 50 લાખ રૂપિયાની લાંચ લેતા ગુજરાત પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. આ મામલે એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. અગાઉ પણ આર.આર.સેલના પોલીસકર્મીઓ અનેક વખત વિવાદમાં આવી ચુક્યાં છે.