વડોદરા-

આગામી ગણેશોત્સવમાં ચાર ફૂટની પ્રતિમાના નિર્ણય બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં નર્મદા રાજ્યમંત્રીએ પંડાલ અંગે રજૂઆત કર્યા બાદ 300 ચોરસ ફૂટનો ગણેશજીનો પંડાલ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ પદે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગણેશોત્સવની ઉજવણીને વધુ સુવિધાજનક બનાવવા ગણેશ પંડાલની મહત્તમ સાઇઝ નિર્ધારિત કરવાની કરેલી રજૂઆતને પણ સફળતા મળી છે. યાદ રહે કે રાજ્ય સરકારે અગાઉ શ્રીજીની પ્રતિમા મહત્તમ 4 ફૂટની સ્થાપિત કરી શકાશે એવો નિર્ણય લીધો છે. બેઠકમાં ચર્ચાને અંતે ગણેશ પંડાલનું માપ 15 બાય 20 એટલે કે મહત્તમ 300 ચોરસ ફૂટ રાખી શકાશે એવું નક્કી કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ આ નિર્ણયની વડોદરા શહેરના પોલીસ કમિશ્નરને પણ જાણ કરી છે.