વડોદરા, તા.૬ 

મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. પરંતુ મધ્યગુજરાતમાં ચાલુ સિઝનમાં છુટા છવાયા વરસાદને બાદ કરતા હજુ જમાવટ કરી નથી. જાેકે બુધવારે બપોરે અડધો ઇંચ વરસાદ થયા બાદ વિરામ પાડ્યો હતો. આજે સવારથી વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદ થવાની શક્યતા વર્તાતી હતી પરંતુ હળવા વરસાદને બાદ કરતા મેઘરાજાએ જમાવટ કરી ન હતી. પરંતુ રાત્રે ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયા બાદ વિજળીના કડાકા સાથે સમગ્ર શહેરમાં ધોધમાર ૧ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. એકધારો વરસાદ વરસતા શહેરના એમ.જી.રોડ, રાવપુરા રોડ, દાંડિયા બજાર, વેરાઇમાતાનો ચોક, લાલબાગ બ્રિજ સહિત અનેક નિંચાણ વાળા વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા હતાં. વરસાદને પગલે ઠંડક થતા લોકોએ રાહત અનુભવી હતી.