મુંબઈ-

કોરોના ઇન્ફેક્શનના ગંભીર કેસમાં સારવાર માટે વપરાતી દવા ટોસિલિઝુમેબનાં ઇન્જેક્શન્સ દરદીઓનાં સગાંને પ્રિસ્ક્રિપ્શન વગર ત્રણ ગણી કિંમતે વેચવા બદલ ૩૦ વર્ષના આઝમ નસીર ખાનની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓએ બાતમીને આધારે છટકું ગોઠવીને બાંદરામાંથી આઝમ ખાનની ધરપકડ કરીને ૧૫ ઇન્જેક્શન્સ જપ્ત કર્યાં હતાં. આઝમને મેટ્રોપૉલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે તેને ૭ ઑગસ્ટ સુધી રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો. 

બાંદરામાં એક લાખ રૂપિયાની કિંમતે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન વેચતાં પકડાયેલો આઝમ ખાન મૂળ ઉત્તરાખંડ રાજ્યના કાશીપુરનો રહેવાસી છે. કોવિડ-19ના દરદીઓનું ઑક્સિજન લેવલ ઘટી જાય ત્યારે ટોસિલિઝુમેબ-૪૦૦ મિલીગ્રામ ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. આઝમ ખાનની ધરપકડ સાથે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટર સ્ટેટ રૅકેટની શક્યતાને આધારે તપાસ શરૂ કરી હોવાનું મનાય છે. દિલ્હીના મેડિકલ સ્ટોરના માલિકે આઝમ ખાનને વેચવા માટે ઇન્જેક્શન્સ આપ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.