અમદાવાદ-

શહેરની સાબરમતી મધ્યસ્થ જેલમાં મોબાઇલ ફોન અને અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ કેદીઓ સુધી જેલમાં ફરજ બજાવતા પોલીસ જવાનો જ પહોંચાડતા હોવાનો ખુલાસો થયો છે. જેલમાં અતિ સંવેદનશીલ કોટડીમાં ફરજ પર જતાં એસઆરપી જવાન પાસેથી એક મોબાઈલ ફોન અને ૧૧ બુધાલાલ તમાકુની પડીકી મળી આવી હતી. રાણીપ પોલીસે જેલરની ફરિયાદમાં આધારે ગુનો નોંધી એસઆરપી જવાનની ધરપકડ કરી છે. સાબરમતી જેલમાં શુક્રવારે સાંજે જેલ વિભાગ ૧૧માં ઝડતી રૂમમાં જેલર અને અન્ય કોન્સ્ટેબલ ફરજ પર હાજર હતા.

જેલમાં અતિ સંવેદનશીલ કોટડી નંબર ૨૦૦માં ફરજ પર જવા ગોધરા એસઆરપી ગ્રુપના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સોલંકી ઝડતી રૂમમાં આવ્યા હતા. જ્યાં તેમની ઝડતી કરવામાં આવતા પીઠની પાછળ સેલોટેપથી એક નવો એન્ડ્રોઇડ ફોન અને ખિસ્સામાંથી ૧૧ બુધાલાલની પડીકી મળી આવી હતી. જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં આ મામલે તેજપાલસિંહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મોબાઇલ ફોન કોને આપવાના હતા તેની તપાસ શરૂ કરી છે.