આણંદ : વલ્લભવિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ અને ઓલમ્પિક કક્ષાના સ્વિમિંગપુલનું આજે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પૂ.ગણેશદાસજી મહારાજ અને સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં ભારત સરકારના કૃષિ રાજ્ય મંત્રી પુરુષોેતમ રૂપાલાએ લોકાર્પણ કર્યું હતું. 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઓલમ્પિક કક્ષાએ જવા માટે હજુ આપણી પાસે ઘણું ઘટે છે. ગ્રામીણ યુવાનો પાસે બધી જ ટેલેન્ટ હોય પણ તક ન હોય તો શું કરવું, પણ આજે મને એ વાતનો સંતોષ થયો છે કે, સરદાર પટેલ યુનિવર્સિટીના આ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ અને ઓલમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલથી ચરોતર ભૂમિના ગ્રામીણ યુવાનોને પોતાની ટેલેન્ટને તકમાં ફેરવવામાં પૂરેપુરી મદદ મળશે. નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે યુનિવર્સિટીના સંકુલમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં દાન આપનારાં ઇપ્કો પરિવારના દેવાંગભાઈ પટેલ અને તેઓના ધર્મપત્ની અનિતાબહેનના સેવા કાર્યો પ્રત્યે મંત્રીએ શુભ ભાવના વ્યક્ત કરી હતી.

સાંસદ મિતેષ પટેલે ઓલમ્પિક કક્ષાની રમત ગમત ક્ષેત્રે ઉભી થઇ રહેલી વ્યવસ્થાને આવકારી દાતા પરિવારની દાનની ભાવનાને ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓના ઉજ્જળ ભવિષ્ય માટે ઉત્તમ ગણાવી હતી. પ્રારંભે કુલપતિ શિરીષ કુલકર્ણીએ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ઇપ્કો પરિવાર તરફથી મળેલાં દાન કેટલાં મહત્વના પૂરવાર થયાં છે, તેની વિગતો આપી હતી. સંકુલના નિભાવણી માટે વધુ એક કરોડનું દાન દેવાંગ ભાઈ પટેલ તરફથી મળ્યાની જાહેરાત પણ કરી હતી.

કુલપતિ શિરીષ કુલકર્ણીએ ઉપસ્થિત તમામ અતિથિઓનું સ્વાગત કર્યું હતું. સરદાર પટેલ યુનિ.ના રમત ગમત સંકુલ અને તરણકુંડના લોકાર્પણ પ્રસંગે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સૌની પ્રગતિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વામી પૂ.ગણેશદાસજી, સુરેન્દ્રભાઈ પટેલ, કુલ સચિવ જ્યોતિ તિવારી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી, સેનેટના સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.