આણંદ : રમત ગમત પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય, શારીરિક રીતે તંદુરસ્ત રહે અને રમતગમતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તે માટે ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ગુજરાત ભરમાંથી અંદાજે ૧૬.૫૦ લાખ જેટલાં રમતવીરોએ પોતના નામની નોંધણી કરાવી હતી અને જૂસ્સા સાથે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. 

હાલ રાજ્યમાં ખેલ મહાકુંભ ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. ખેલ મહાકુંભની વધતી જતી લોકપ્રિયતાને કારણે વર્ષ ૨૦૧૯માં વિવિધ ૭ વયજૂથ અને ૩૬ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં અન્ડર-૯, અન્ડર-૧૧, અન્ડર-૧૪, અન્ડર-૧૭, ઓપનવય જૂથ, ૪૦ અને ૬૦ વર્ષથી ઉપરની વયના લોકો પણ ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાકક્ષાએ ૭ રમતો, જિલ્લાકક્ષાએ ૨૨ અને રાજ્યકક્ષાએ સીધી ૭ રમતો એમ કુલ મળીને ૩૬ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ અંતર્ગત આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં કુલ ૨,૨૪,૫૨૨ રમતવીરોએ પ્રતિભાગી થવા માટે પોતાના નામની નોંધણી કરાવી હતી જે બદલ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ નામ નોંધાવનાર જિલ્લાની યાદીમાં આણંદે બીજાેે નંબર મેળવ્યો હતો.

આણંદ જિલ્લામાં રજિસ્ટ્રેશન કરાવેલ રમતવીરો પૈકી કુલ ૨,૦૮,૦૪૦ રમતવીરોએ ભાગ લીધો હતો, જેમાં ૧,૧૨,૫૪૫ ભાઈઓ અને ૯૫,૪૯૫ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ૨૮ ગોલ્ડ મેડલ, ૪૫ સિલ્વર મેડલ અને ૫૫(પંચાવન) બ્રોન્ઝ મેડલ એમ કુલ ૧૨૮ મેડલ મેળવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રમતવીરોને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે ખેલ મહાકુંભ ફેર પ્લે એવોર્ડ, શક્તિદૂત યોજના, જિલ્લાકક્ષા સ્પોર્ટ્‌સ સ્કૂલ યોજના, સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી સંવર્ધન કેન્દ્ર યોજના અને એકેડમી, ઈનસ્કુલ યોજના અને સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ યોજનાઓ જેવી જુદી જુદી યોજનાઓ અમલમાં છે. રમતવીરોને પ્રોત્સાહન મળી રહે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને ગામડાંથી લઈને શહેરના પ્રતિભાશાળી કલાકારોને પ્રોત્સાહન મળે અને તેઓ આગળ આવે તે માટે પ્રોત્સાહન મેળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ચાર વય જૂથમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ૬થી ૧૪ વર્ષ, ૧૫થી ૨૦ વર્ષ, ૨૧થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી વધુ વર્ષના કલાકારોનો સમાવેશ કરવામાં આવે છે. તાલુકાકક્ષાએ ગરબા, રાસ, લોકનૃત્ય, ભરતનાટ્યમ, ચિત્રકલા, સમૂહગીત, લગ્નગીત, સુગમ સંગીત, વકૃત્વ, નિબંધ, લોકગીત- ભજન, એકપાત્રીય અભિનય, હાર્મોનિયમ, તબલા જેવી કુલ ૧૪ સ્પર્ધાઓ, જ્યારે જિલ્લાકક્ષાએ શાસ્ત્રીય કંઠ્‌ય સંગીત, સ્કૂલ બેન્ડ, ક્થ્થક, ઓર્ગન, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કામગીરી વગેરે જેવી કુલ-૯ સ્પર્ધાઓ, પ્રદેશ કક્ષાએ કુચીપુડી, ઓડીસી, મોહીની અટ્ટમ, સિતાર, ગિટાર, વાંસળી, વાયોલીન જેવી ૭ સ્પર્ધાઓ અને સીદી રાજ્ય કક્ષાએ પખાવજ, મૃદંગમ, રાવણહથ્થો, જાેડિયાપાવા, સારંગી, સરોદ, ભાવાઈ જેવી ૭ સ્પર્ધાઓ મળીને કુલ ૩૭ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાએ કલાકુંભમાં ૭૩૧૩ કલાકારોની નોંધણી કરવામાં આવી હતી. શાળાકીય રમતો માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષા સુધી વિવિધ વયજૂથમાં રમતો અને સાંસ્કૃતિક પ્રોગ્રામો વર્ષ દરમિયાન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અંડર-૧૪ માટે જિલ્લા બાળસ્પર્ધા, અંડર-૧૭ માટે જિલ્લાકક્ષાની નવી રમતો, અંડર-૧૯ માટે જિલ્લાકક્ષાની, જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા, જિલ્લા યુવા ઉત્સવ, જિલ્લાકક્ષા સિનિયર સિટિઝન, જિલ્લાકક્ષા બાળપ્રતિભા શોધ અને ગ્રામીણ મહિલા જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.