આણંદ : દિવાળી બાદ આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાની રફતાર વધી ગઈ છે. ત્યારે શનિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં વધુ 8 નવાં કેસો નોધાતાં જિલ્લાનો કુલ આંક 1679 પર પહોંચી ગયો છે. નવાઈની વાત તો એ છે કે, આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર, આણંદ નગર પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ આણંદ પુરવઠા કચેરીના બે કર્મીઆેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આણંદ જિલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ બીજા તબક્કામાં પ્રવેશ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરાનાના 8 નવાં દર્દીઆે નોંધાયા હતાં. આ દર્દીઓમાં આણંદ શહેર સહિત તાલુકામાં 4 કેસ તેમજ પેટલાદમાં 2 કેસ અને ઉમરેઠ અને બોરસદમાં 1-1 કેસ નોંધાયો હતો.

આણંદ આરોગ્ય વિભાગના જણાવ્યાં અનુસાર, આણંદ શહેરના ખ્વાજાનગરમાં રહેતાં 30 વર્ષના યુવક, શીવગંગા સોસયટીમાં રહેતાં 47 વર્ષના પુરુષ, આણંદ તાલુકના કણભાઈપુરા ગામમાં રહેતાં 47 વર્ષના પુરુષને, તેમજ આણંદમાં રહેતાં 40 વર્ષના પુરુષ આ ઉપરાંત પેટલાદના નગરકુવા વિસ્તારમાં રહેતાં 46 વર્ષના પુરુષને તેમજ મલાતજ ગામમાં રહેતાં 55 વર્ષની મહિલાને તેમજ બોરસદ સિવિલ કોર્ટ પાસે રહેતાં 39 વર્ષના યુવક અને ઉમરેઠ તાલુકના આેડ ગામમાં રહેતાં 36 વર્ષના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર છેલ્લા બે દિવસથી બીમાર હોવાથી રેપીડ ટેસ્ટ કરાવતાં કોરોનાના લક્ષણો જણાયાં હતાં. જેથી તેઓઅે અમદાવાદમાં રિપોર્ટ મોકલ્યાં હતાં. ત્યાંથી પણ રિપોર્ટ પોઝિટિવ આવતાં આણંદની આઈરીશ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. તેમજ આણંદ ન.પા.ના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં હતાં.

તંત્ર દ્વારા માર્ગો પર ફરીને લાઉડ સ્પીકરથી લોકોને જાગૃત રહેવા અપીલ કરાઈ રહી છે. આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આણંદ ફાયર બ્રિગ્રેડ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઝુૂંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લાઉડ સ્પીકર પર નગરજનોને કોરોનાથી બચવાના ઉપાયો બતાવી સાવચેત કરવામાં આવી રહ્યાં છે.