આણંદ : આણંદ પાલિકામાં ૧૫ વર્ષે વહીવટદારનું સાશન આવતાં જ શહેરને દબાણ મુક્ત બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 

શહેરમાં સુપર માર્કેટ સહિત જૂનાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો ખડકલો થઇ ગયો છે. સૂચનાઓ આપવા છતાં પણ શનિવાર સુધીમાં દબાણો દુર નહીં કરાતાં પાલિકાની ટીમો દ્વારા સોમવારે તમામ કાચા અને પાકા દબાણોનો સફાયો બોલાવી દેવામાં આવશે, તેમ આણંદ પાલિકા દબાણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ નગર પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે વહીવટી કમાન સંભાળતાની સાથે પાલિકાની મિલલકત તેમજ ખુલ્લી જગ્યા, જાહેર રસ્તા ઉપર હાથલારી, ગલ્લાઓ સહિત અન્ય કોઈપણ જગ્યાએ વેપાર, વ્યવસાય અને ધંધો કરવાની પ્રવૃતિને પાલિકા અધિનિયમ ૧૮૫ મુજબ ગેરવાજબી અને ગેરકાયદેસર ગણાવી દબાણો હટાવી લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ અપીલ અન્વયે આણંદ પાલિકાની ટીમો દ્વાર તાજેતરમાં સુપર માર્કેટમાં દુકાનો બહાર ખડકવામાં આવેલાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પીળા પટ્ટા દોરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ નોટિસની સાથે સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

આમ છતાં પણ શનિવાર સુધીમાં દબાણકારોએ સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવતાં આખરે આણંદ પાલિકા દ્વારા આક્રમક વલણ અપનાવી સોમવારે સુપર માર્કેટ સહિત જૂનાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવી દેવામાં આવશે.