આણંદ : કોરોના મહામારીની આ પરિસ્થિતિમાં એકબાજુ સરકાર જરૂર ન હોય તો બહાર નહીં નીકળવાની સૂચના આપી રહી છે ત્યારે સરકારની એક કચેરી જરૂર ન હોવા છતાં લાભઆર્થીઓને બહાર નીકળવાની ફરજ પાડી રહી છે! આણંદની શ્રમ કચેરીએે આ તાયફો કર્યો છે! 

આણંદ જિલ્લામાં ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌શ્રમયોગી યોજના હેઠળ સમાવેશ થયેલાં લાભાર્થીઓને છેલ્લાં કેટલાંક સમયથી ભારે અચરજતા સાથે અવઢવની પરિસ્થિતિમાં મુશ્કેલી અનુભવી પડતી હોવાની બાબત ઉજાગર થવા પામી છે. આણંદ જિલ્લાના શ્રમયોગીઓએ પોતાની ઓળખ અને યોજનાકીય લાભો માટે શ્રમયોગી કાર્ડ નોંધણી કરાવેલ છે, પરંતુ કાર્ડ ટપાલ દ્વારા કે અધિકૃત પ્રતિનિધિ દ્વારા લાભાર્થીઓ સુધી પહોંચાડવાને બદલે જિલ્લા મથકે રૂબરૂ મુલાકાત માટે આવવાનું ફરમાન કરવામાં આવતાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

લાભાર્થીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આણંદ શ્રમ અધિકારીની‌ કચેરીના અધિકારી દ્વારા શ્રમયોગી કાર્ડ પહોંચાડવા માટે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ સંદર્ભે ભીડભાડ ઓછી થાય તેવી વ્યવસ્થા કરવાને બદલે ભીડભાડ વધારે તેવાં ફરમાનથી અચરજ ફેલાયું છે! ગરીબ અને આર્થિક સંકટનો દિન પ્રતિદિન સામનો કરતા શ્રમયોગીઓએ આણંદ જિલ્લા મથકે પહોંચવું જરૂરી બની જવા પામ્યું છે. શ્રમયોગી કાર્ડ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ પ્રાપ્ત કરવું હાલના સંજાેગોમાં લાભાર્થીઓ માટે લાભદાયક બનવાને બદલે આપત્તિજનક સમસ્યા સમાન બન્યું હોવાની લાગણી લાભાર્થીઓને‌ થવા પામી છે. લાભાર્થીઓને આણંદ ખાતે શ્રમ અધિકારી કચેરી જવા માટે પોતાની રોજગારી ગુમાવી પડે છે. તેમજ આર્થિક વિટંબણાઓનો ભોગ બનવું પડે છે. તેમજ શ્રમયોગી કાર્ડ સમયસર ના મળવાને કારણે લાભાર્થીઓને સરકારી‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ લાભોથી વંચિત રહેવું પડે તેવી વિકટ સ્થિતિ સર્જાવા પામી છે.‌

આણંદ જિલ્લાના શ્રમિકોએ પોતાના તમામ પુરાવા આપી આણંદની શ્રમ અધિકારી કચેરી ખાતે શ્રમયોગી તરીકે નોંધણી કરાવી હતી, જેનાં આધારે શ્રમયોગી કાર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધી ટપાલથી શ્રમિકના ઘરે પહોંચાડવામાં આવતાં હતાં, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી જિલ્લા શ્રમ અધિકારી દ્વારા શ્રમિકોને રૂબરૂ જિલ્લા કચેરી ખાતે બોલાવવામાં આવી રહ્યાં છે! જેને લઈ શ્રમિકોને ભાડાંનો ખર્ચ પણ ભોગવવો પડી રહ્યો છે. શ્રમિકોનો આક્ષેપ છે કે, શ્રમિક કાર્ડ ઘરે બેઠાં જ પહોંચાડવાની વ્યવસ્થા જરૂરી છે ત્યારે શ્રમ અધિકારીના મનસ્વી ર્નિણયના કારણે શ્રમિકોને હેરાન થવું પડે છે. કેટલીકવાર કચેરીમાં અધિકારી હાજર નથી હોતાં ત્યારે શ્રમિકોને ધરમધક્કા થાય છે. સરકાર દ્વારા શ્રમિકો માટે નવી નવી યોજનાઓ જાહેર કરવામાં આવે છે, જેનો લાભ કાર્ડ હોય તો જ મળે છે. ત્યારે શ્રમ અધિકારીના રૂબરૂ મુલાકાતના તાયફાને કારણે શ્રમિકોને સરકારની યોજનાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

તમામ પુરાવા આપ્યાં બાદ જ કાર્ડ તૈયાર થતંુ હોય છે. ત્યારે શ્રમ અધિકારી દ્વારા કેમ શ્રમિકોને જિલ્લા કચેરીના ધક્કા ખવડાવવામાં આવે છે તે સવાલ ઊઠવા પામ્યો છે! શ્રમ અધિકારીના મનસ્વી ર્નિણયના કારણે શ્રમિકોની ઉદભવેલ સમસ્યા બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી લાભાર્થીઓ કરી રહેલ છે.

ટપાલ ખર્ચની ગ્રાન્ટ નથી મળી!

શ્રમયોગીઓની સમસ્યા બાબતે આણંદ શ્રમ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ ટપાલ ખર્ચની ગ્રાન્ટ ન હોઇ ટપાલ કરવાના પૈસા નથી. એટલે શ્રમિકોને રૂબરૂ બોલાવી આપીએ છીએ.