આણંદ : છેલ્લાં બે દાયકાથી આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવાની વારંવાર માગ કરવા છતાં સરકાર બાઇબાઇ ચારણી કરી રહી છે. ગતરોજના આણંદના ધારાસભ્યએ વિધાનસભામાં આણંદમાં સિવિલ ક્યારે બનશે? એવો સવાલ ઊઠાવતાં, ઉપરાંત અગાઉ ખાતમુહૂર્ત કર્યું હોય, એ વિશે પૂછતાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ અકળાઇ ગયાં હતાં. નવાઈની વાત તો એ છે કે, અગાઉ ૨૦૧૨ તથા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આણંદમાં સિવિલ હોસ્પિટલના ખાતમુહૂર્ત કરીને મત મેળવી લેવાનો કારસો રચ્યો હતો. હવે ફરી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ વખતે આણંદગરો છેતરાશે નહીં!

આણંદને જિલ્લા બન્યાને બે દાયકાથી વધુ સમય પસાર થઈ ગયો છે. જનસુખાકારી માટે સિવિલ હોસ્પિટલ સાકાર કરવાની વારંવાર માગ ઊઠવા પામી છે. વર્ષ ૨૦૧૨ના વિધાનસભાની ચૂંટણી પૂર્વે તત્કાલીન આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસના હસ્તે આણંદના બાકરોલ નજીક સિવિલ બનાવવા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં વિરોધ ઊઠતાં ૨૦૧૬માં પૂર્વ કલેક્ટર દ્વારા શહેરની વ્યાયામશાળાની જગ્યાની લીઝ રદ કરી સિવિલ બનાવવા આરોગ્ય વિભાગને ફાળવી આપી હતી. જાેકે, આ જગ્યાએ સિવિલ બનાવવા પર કોઈકના ઇશારે કે નબળી નેતાગીરીના કારણે વિરોધ ઊભો થતાં પુનઃ સિવિલ ઘોંચમાં પડી ગઈ હતી. એ પછી ફરી શહેરથી સાત કિમી દૂર નાવલીની ચરાવાળી જગ્યા પર સિવિલ બનાવવાનું આયોજન કરાયું હતું. વર્ષ ૨૦૧૭ના વિધાનસભા જંગ પૂર્વે આ સ્થળે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાદમાં આ જગ્યાએ પણ સિવિલનો મુદ્દો ઘોંચમાં પડતા ગત જુલાઈ માસમાં વિધાનસભા સત્રમાં આણંદ, બોરસદના ધારાસભ્ય કાંતિ સોઢાપરમાર તથા રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા સિવિલ સાકાર કરવાની માગ કરતાં સરકાર દ્વારા વ્યાયામશાળાની જગ્યાએ સિવિલ બનાવાની હૈયા ધરપત આપવામાં આવી હતી. ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સંક્રમણ વચ્ચે નવ માસ ઉપરનો સમય વિતવા છતાં સરકાર દ્વારા આણંદમાં સિવિલ સાકર કરવા હજુ સુધી નક્કર કાર્ય હાથ ધરવામાં ન આવતાં આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢાપરમારે વિધાનસભામાં સવાલ પૂછતાં આરોગ્ય મંત્રી નીતિન પટેલ અકળાઇ ઊઠતાં કહ્યું હતું કે, ખાતમુહૂર્ત અગાઉ કર્યાં જ નથી. અલબત્ત, આણંદની જનતા અગાઉ બબ્બે વખત ખાતમૂહૂર્ત જાેઈ ચૂકી છે ત્યારે સિવિલ મુદ્દે જમીન વિશે બહાનું આગળ ધરતાં એવી ચર્ચા નગરમાં થઈ રહી છે કે, રાજ્ય સરકારની આણંદ ખાતે સિવિલ બનાવવાની મહેચ્છા હોય તેવું લાગતું નથી. અલબત્ત, લોકોનું એવું પણ માનવું છે કે, આણંદમાં સિવિલ હોસ્પિટલનું સપનું સાકાર નહીં થવા દેવા પાછળ કાં તો નબળી નેતાગીરી કારણભૂત છે.

સિવિલ મુદ્દે નબળી નેતાગીરી, રાજકીય દ્વેષ કે અન્ય?!

છેલ્લા દશકથી આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવા સરકાર બાઇબાઇ ચારણીના ખેલ રચતી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં પણ વિધાનસભા ગૃહમાં આણંદના ધારાસભ્ય દ્વારા સવાલ કરાતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છંછેડાઇ ઊઠ્યાં હતાં. હવે આણંદમાં સિવિલનું સપનું સાકાર કરવા પાછળ સરકારની ઈચ્છા શક્તિમાં ઉણપ, સ્થાનિક નબળી નેતાગીરી કે પછી અન્ય કોઈ કારણ વચ્ચે આવી રહ્યાંની ચર્ચા લોકોમાં થઈ રહી છે.

બબ્બે વખત વિધાનસભા ચૂંટણીટાણે ખાતમૂહુર્ત કરી જનતાને સિવિલનું ગાજર લટકાવ્યું!

અગાઉ ૨૦૧૨ તથા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આણંદમાં સિવિલ હોસ્પિટલના ખાતમુહૂર્ત કરીને મત મેળવી લેવાનો કારસો રચવામાં આવ્યો હોવાના આક્ષેપ લોકો કરી રહ્યાં છે. હવે ફરી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાકે આણંદમાં સિવિલ હોસ્પિટલનું ગાજર લટકાવી મત ગજવે કરવાનો કારસો રચવામાં આવશે.