આણંદ : આગામી ૨૮ ફેબ્રુઆરીએ આણંદ જિલ્‍લામાં જિલ્‍લાની છ નગરપાલિકાઓ, જિલ્‍લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકા વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન યોજાવાનું છે. આ મતદાન માટે જિલ્‍લા ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્‍લાની છ નગરપાલિકાઓ અને કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.૧ની પેટા ચૂંટણીના મળીને કુલ ૩,૯૬,૯૬૦ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં ૨,૦૧,૭૦૫ પુરુષ, ૧,૯૫,૧૪૮ મહિલા અને ૧૦૭ અન્‍ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે.

નગરપાલિકાવાર વિગતો જાેઇએ તો સૌથી વધુ મતદારો આણંદ નગરપાલિકામાં ૧,૭૬,૦૬૯ મતદારો છે, જેમાં ૮૯,૩૦૨ પુરુષ, ૮૬,૭૬૪ મહિલા અને અન્‍ય જાતિના ૩ મતદારો છે, જ્યારે સૌથી ઓછા સોજિત્રા નગરપાલિકામાં ૧૪,૦૩૩ મતદારો છે, જેમાં ૭,૧૭૬ પુરુષ, ૬,૮૫૪ મહિલા અને અન્‍ય જાતિના ૩ મતદારોનો સમાવેશ થાય છે.

ઉમરેઠ નગરપાલિકામાં ૧૪,૬૧૨ પુરુષ, ૧૪,૦૦૩ મહિલા અને અન્‍ય જાતિના ૧ મળી કુલ ૨૮,૬૧૬ મતદારો છે. બોરસદ નગરપાલિકામાં ૨૭,૮૬૧ પુરુષ, ૨૬,૮૮૭ મહિલા અને અન્‍ય જાતિના ૩ મળી કુલ ૫૪,૭૫૧ મતદારો છે. પેટલાદ નગરપાલિકામાં ૨૪,૧૨૭ પુરુષ, ૨૩,૮૨૪ મહિલા અને અન્‍ય જાતિના ૯૬ મળી કુલ ૪૮,૦૪૬ મતદારો છે. ખંભાત નગરપાલિકામા ૩૬,૧૪૬ પુરુષ, ૩૪,૫૩૪ મહિલા અને અન્‍ય જાતિના ૧ મળી કુલ ૭૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે કરમસદ નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણીમાં ૨,૪૮૧ પુરુષ અને ૨,૨૮૨ મહિલા મળી કુલ ૪,૭૬૩ મતદારોનો સમાવેશ થાય છે.

મતદારોને મત આપતાં પહેલાં પ્લાસ્ટિકના હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવામાં આવશે

આણંદ જિલ્લા આરોગ્ય કચેરી ખાતે ઇલેકશન કમિશન દ્વારા કોવિડ ગાઇડલાઇન્સ મુજબ જિલ્લાના કુલ ૧૭૬૪ મતદાન મથકો માટે થર્મલ ગન, ફેસશિલ્ડ, એન૯૫ માસ્ક, લિક્વિડ શોપ સહિત અન્ય સામગ્રીઓ મોકલી છે. ત્યારે આરોગ્ય વિભાગનો દરેક બુથ પર બે કર્મચારી સહિત આંગણવાડીના એટલે કે કુલ ૩૫૨૮ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આગામી ૨૮મીએ જિલ્લામાં નગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ મતદારોને મત આપતાં પહેલાં પ્લાસ્ટિકના હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવામાં આવશે. ત્યારબાદ જ મતદાન કરવા દેવામાં આવનાર છે. મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હેન્ડ ગ્લોવ્ઝ મતદારે જાતે જ કાઢીને ડસ્ટબીનમાં નાંખવાના રહેશે. જીલ્લામાં મતદાનના દિને હેન્ડ ગ્લોવ્ઝ કુલ ૧૬ લાખ ૧૨ હજાર ૬૯૯ અને સેનિટાઈઝર ૮૭૩૫ ઉપરાંત બોટલોનો ઉપયોગ કરવામાં આવનાર છે.

થર્મલગનથી તાપમાન તપાસવામાં આવશે

વધુ માહિતી મુજબ મતદાન મથકો ઉપર મતદાન માટે આવતા મતદારોને સૌ પ્રથમ મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગનથી શરીરનું તાપમાન તપાસવામાં આવશે. ત્યારબાદ તેમના હાથ પર સેનિટાઈઝરનો છંટકાવ કરાવીને હેન્ડગ્લોઝ પહેરાવવામાં આવશે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવા સૂચના આપવામાં આવશે.

તાપમાન ૩૮ અંશ સેલ્સિઅશ/૧૦૦.૪૦ ફેરનહિટ કે તેથી વધુ આવે તો શું કરાશે?

દરેક મતદાન મથકોએ તૈનાત આરોગ્ય ટીમ દ્વારા મતદાનના દિવસે શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધુ હોય તેવા મતદાર માટે ખાસ કાળજી લેવામાં આવશે. જાે તાપમાન ૩૮ અંશ સેલ્સિઅશ/૧૦૦.૪૦ ફેરનહિટ કે તેથી વધુ આવે તો આવા મતદારને અન્ય વ્યક્તિઓથી અલગ છાંયડામાં ૧૫ મિનિટ બેસાડવામાં આવશે. ૧૫ મિનિટ બાદ તે વ્યક્તિના તાપમાનની ચકાસણી કરાશે. જાે તાપમાન સામાન્ય આવે તો તે મતદાન કરી શકશે, પણ જાે તેનું તાપમાન ૩૮ અંશ સેલ્સિઅશ/ ૧૦૦.૪૦ ફેરનહીટ કે તેથી વધુ આવે તેમજ તેને કોવિડ-૧૯ ના અન્ય લક્ષણો જેવા કે ખાંસી, કળતર, માથાનો દુઃખાવો, ઝાડા, ઊલટી, સ્વાદ અને ગંધ જતી રહેવી જેવા કોઈ લક્ષણો જણાય તો મતદાન મથકના અધિકારી સંબંધિત આરોગ્ય નોડલ અધિકારીનો સંપર્ક કરી નજીકનાં કોવિડ-૧૯ ટેસ્ટિંગ સેન્ટર ખાતે ટેસ્ટ માટે મોકલી આપશે.