મહેસાણા,તા.૩૦ 

મહેસાણા નજીક મોટીદાઉ સ્થિત સીબીએસસી સંચાલિત આનંદનિકેતન સ્કૂલમાં એપ્રિલથી જૂન સુધીની ત્રિમાસિક ફી ભરવા વાલીઓને વારંવાર દબાણ કરાતાં રોષ ભભૂકી ઊઠ્‌યો હતો. એમાંયે ફી બાકી હોય એવા વિદ્યાર્થીઓને ચાલુ ઓનલાઇન ક્લાસમાં જ બાકાત કરી નખાતાં અપમાન અનુભવતા વાલીઓ સોમવારે શાળામાં દોડી આવ્યા હતા અને મેનેજમેન્ટની નીતિ રીતિ સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. જેમાં પોલીસે વાલીઓ પાસેથી લેખિત રજૂઆત મેળવી દરમિયાનગીરી કરતાં મામલો શાંત પડ્‌યો હતો.વાલી નિરવ પટેલે કહ્યું કે, કોરોનામાં આર્થિક કારણોસર જેમણે  ફી ન ભરી તેમના બાળકોને ઓનલાઇન બાકાત કર્યા.આ અપમાન છે.ફી માટે પઠાણી ઉઘરાણી કરી બાળકોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરાયો છે.તો રજનીકાન્ત મિસ્ત્રી નામના વાલીએ કહ્યું કે, એપ્રિલ,મે,જૂન ત્રણ મહિનાની ફી રૂ.૧૧૨૫૦ ભરી ત્યારે  તેમને એલસી આપી,જે યોગ્ય નથી.ટ્યુશન ફી ૫૦ ટકા કરવી, ધો ૪ સુધી તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવા વિનંતી કારણકે તેવો ઓનલાઇન અભ્યાસ માટે સક્ષમ નથી.ઓનલાઇન ક્લાસમાં ૩૦થી વધારે વિદ્યાર્થી ન હોવા જોઇએ.શાળા સંચાલક બીપીન પટેલે કહ્યું કે, ફી બાબતે કોઇ વાલીને દબાણ કર્યુ નથી. સીબીએસસી સત્ર શરૂ થતાં  ૧ એપ્રિલથી વીડિયો ક્લીપ અને જૂનથી ઓનલાઇન ક્લાસ શિક્ષણ શરૂ કર્યુ છે. ત્રણ મહિનાની ફી ઘણા વાલી ભરી ગયા છે. જે ફી આપી શકે તેમ નથી એ લેખિત આપે તો વધુ સમય આપીશું, ફીમાં કોઇ ઘટાડો કરાશે નહીં. માસિક ફી પણ ભરી શકે છે.