વડોદરા : સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં દાખલ વેપારી દર્દીની રોકડ રકમ રૂા.૮થી ૧૦ હજારની ચોરી થતાં સયાજી હોસ્પિટલમાં દર્દીના રૂપિયાની ચોરી થવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. તાજેતરમાં જ કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓના રોકડા રૂપિયાની ચોરીની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે વધુ એક ચોરીનો બનાવ બનતાં કોવિડ સેન્ટરમાં ચકચાર મચી જવા પામી છે. સીસીટીવીના ઓપરેટર દ્વારા સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દર્દીના સગાએ દર્દીની તેમજ તેમના સામાન અને રોકડ રકમની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠાવી દર્દીને ખાનગી હોસ્પિટલમાં શિફટ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પોલોગ્રાઉન્ડ સામે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચોખંડી ખાતે ટોબેકોની દુકાન ધરાવતા ૬૨ વર્ષીય વેપારી વિનોદચંદ્ર ચંદ્રકાન્તભાઈ શાહને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં તેમને પ્રથમ સારવાર માટે પારુલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. પરંતુ ત્યાંથી કોઈ કારણોસર શહેરની સયાજી હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા હતા. જેથી તેમને સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં ગઈકાલે દાખલ કરાયા હતા અને દવા ખર્ચના રોકડા રૂા.૮ થી ૧૦ હજાર આપી રાખ્યા હતા. આજે સવારે સાડા દસ-અગિયાર વાગ્યાની આસપાસ કોવિડ સેન્ટર વોર્ડમાં દાખલ દર્દીના ડાયપર બદલવા આવનાર કર્મચારી બાદ તેમના ખિસ્સામાંથી રોકડા રૂા.૮૫૦૦ ગુમ થઈ ગયા હતા. અલબત્ત, ચોરી થઈ ગયા હતા. આ બનાવની જાણ દર્દીએ તેમના પુત્ર દીપ શાહને કરતાં તે અને અન્ય સગાઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ ચોરીના બનાવનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જાે કે, સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં અવારનવાર થતી ચોરીના બનાવ મામલે કોવિડ સેન્ટરના નોડલ અધિકારી સહિત વહીવટી તંત્ર અને સિકયુરિટીની સુરક્ષાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

ચોરીના બનાવો વધતા તંત્રએ કાનૂની કાર્યવાહી કરવાની તાતી જરૂર

સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં અવારનવાર બનતા ચોરીના બનાવોમાં કોવિડ સેન્ટરના વહીવટી તંત્રના નોડલ અધિકારી તેમજ સુરક્ષા કર્મચારીઓ દ્વારા માત્ર સીસીટીવી ફુટેજની ચકાસણી કરીને સંતોષ માણી રહ્યા છે, પરંતુ કોવિડ સેન્ટરમાં ચોરીઓ કરવા પરકી ગયેલા જાણભેદુ શખ્સને ઝડપી પાડવા કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવતી નથી, તે પણ એક ચર્ચાનો વિષય છે. જાે કે, ચોરીના બનાવોમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ લુંટાઈ રહ્યા છે અને પડયા ઉપર પાટુ મારવા જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. જેથી હોસ્પિટલના કર્મચારીઓ જાણભેદુ ચોર શખ્સને ઝડપી પાડવા માટે પગલાં લેવા જાેઈએ તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.