બારડોલી-

બારડોલી તાલુકાના મઢી અને આજુબાજુના બર્ડ ફ્લૂ અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલન વિભાગ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. પશુપાલન વિભાગ દ્વારા સર્વેની કામગીરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટીમ દ્વારા સંચાલકોને સાવચેતીના ભાગ રૂપે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવા આવી હતી. બારડોલી તાલુકાના મઢી ખાતે ગત 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ ચાર કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના સેમ્પલ ભોપાલની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. ભોપાલથી રવિવારના રોજ ચાર પૈકી બે કાગડાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરત પશુપાલન વિભાગની ટીમ બે દિવસથી મઢી અને બારડોલીના અસરગ્રસ્ત વિસ્તારમાં તપાસમાં લાગી ગઈ છે. પશુ ચિકિત્સકોની ટીમે પીપીઇ કીટ પહેરીને અલગ અલગ વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રીફાર્મની મુલાકાત લીધી હતી.

બારડોલી અને મઢીથી મળી આવેલા મૃત કાગડાઓનો બર્ડફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા પશુપાલન નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં કલેક્ટરના નિયંત્રણ હેઠળ જિલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી અને વન વિભાગની સાથે તાંત્રિક સંકલન સાધી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. બર્ડ ફ્લૂના કિસ્સાને લઈ તેના નિયંત્રણ અને નિયમનની તમામ તાંત્રિક તથા કાયદાકીય કામગીરી કરવા અને થયેલી કામગીરીનું રિપોર્ટિંગ દૈનિક ધોરણે પશુપાલન નિયામક ગાંધીનગરને કરવાની સૂચના આપવામાં આવી છે.