અંકલેશ્વર. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે અંકલેશ્વર પંથકમાંથી પસાર થતા નદી-નાળાં છલકાયાં હતાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં જનજીવન ખોરવાયું હતું. પીરામણ ગામ પાસે આમલાખાડી ઓવરફલો થતાં રેલવે અંડરબ્રિજમાં પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. અંકલેશ્વરમાં પણ સતત વરસી રહેલા વરસાદના પગલે ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે. રવિવારના રોજ સવારથી અંકલેશ્વરમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે બપોર બાદ આમલાખાડી ઓવરફલો થઇ હતી તેમજ ઉપરવાસ પણ વરસાદનું જોર વધુ રહેતાં ખાડી-નાળાઓમાં પાણીની આવક વધી હતી અને આમલાખાડીનાં પાણી પીરામણ અંડરબ્રિજમાં પહોંચી ગયાં હતાં. વાહનો ડૂબી જાય તેટલા પાણી ભરાઈ જતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું હતું.