ગાંધીનગર-

રાજ્ય સરકારે આજે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને ફાઇબર ઓપ્ટિકલ કેબલથી જોડવામાં આવશે. જેનાથી ગામડાઓમાં સારી ઇન્ટરનેટ સ્પીડ મળી રહેશે. હાલ દરેક ગામડાને 100 એમબીપીએસની સ્પિડ આપવામાં આવશે. આઠમી ઓક્ટોબરના રોજ ગુજરાતના 2,700 ગામમાં આ સેવા શરૂ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આઠમી તારીખે 3,500 ગામ માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે પરંતુ ચૂંટણી આચાર સંહિતાને પગલે હાલ 2,700 ગ્રામ પંચાયતોમાં જ આ સેવા શરૂ થશે. આ સેવા શરૂ થતાં જ ગામના લોકોએ નવું રેશન કાર્ડ, આવકના દાખલા, જાતિનું પ્રમાણપત્ર સહિતના 22 કામ માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવાની જરૂર નહીં રહે. તેમને પોતાના ગામ ખાતેથી જ આ તમામ સેવા ઓનલાઇન મળી જશે.

22 સેવા 'ઘરબેઠાં' મળી રહેશેઆ પ્રોજેક્ટ શરૂ થયા બાદ ગામના લોકોએ હાલ 22 સેવા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવાની જરૂર નહીં પડે. ગામમાં બનાવવામાં આવેલા સેવા કેન્દ્ર ખાતેથી જ જે તે વ્યક્તિને આ સેવા મળી રહેશે. આગામી દિવસોમાં આ સેવા 22થી વધારીને 50 સુધી કરવામાં આવશે. આ સેવાઓમાં રેશન કાર્ડમાંથી નામ કમી કરવું, ઉમેરવું, નવું કે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું, રેશન કાર્ડ અલગ કરવું, આવકનો દાખલો, સિનિયર સિટિઝન સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર વગેરે ગ્રામ પંચાયત ખાતેથી જ મળી રહેશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે લોકોને અમુક દાખલા માટે સોદંગનામું કરવું પડે છે. આ માટે તાલુકા કક્ષાએ કે પછી જિલ્લાના નોટરી પાસે જવું પડે છે. આ માટે તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા આપવામાં આવશે. જેનાથી ગ્રામ પંચાયતમાં જ એફિડેવિટ કરીને ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને ત્યાંથી જ દાખલો મેળવી શકાશે.