વડોદરા : વડોદરા મહાનગર પાલિકા અને વુડા દ્વારા સેવાતા દુર્લક્ષને પરિણામે શહેરના ન્યુ અલકાપુરી સમાન ભાયલી વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યાથી રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે. આ વિસ્તારના માર્ગો પર ડ્રેનેજના પાણી માર્ગો પર ફરી વળતા અને એમાંથી અસહ્ય દુર્ગંધ મારતા તેમજ મચ્છરોના ઉપદ્રવને લઈને સ્થાનિક રહીશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે વારંવાર પાલિકા, વુડા અને બિલ્ડર સમક્ષ રજૂઆતો કરવા છતાં એનો કોઈ ઉકેલ લાંબા સમયથી આવતો નથી. જેને લઈને વાજ આવેલ ભાયલી વિસ્તારની વેવ્સ ક્લબ પાસે આવેલ શ્યામલ આર્કેડ ખાતે રહેતા કૃતાર્થ પંડ્યાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહીત ઉચ્ચ કક્ષાએ ઇમેઇલ કરીને રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, આ પ્રશ્ને કેન્દ્ર સરકાર સમક્ષ સ્વચ્છતા પોર્ટલ પર પણ રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત આ વિસ્તારના રહીશો દ્વારા વડોદરા મહાનગર પાલિકા,વુડા અને બિલ્ડર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ સમસ્યાના કાયમી ઉકેલ લાવવાને માટે કોઈએ ઠોસ પગલાં લીધા નથી. પરંતુ અહીંના રહીશોને આવી નરકાગાર જેવી સ્થિતિમાં રહેવાને માટે મજબુર કરી દીધા છે. તેમજ જ્યારે જ્યારે આ બાબતે રજૂઆત કરવામાં આવે છે. ત્યારે ત્યારે ઉડાઉ જવાબો આપીને સમગ્ર ગંભીર બાબતને તમામ દ્વારા હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. આ બાબતે જવાબદારો સામે તાકીદે પગલાં લેવાને માટે અને પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાને માટે રજુઆતમાં જણાવ્યું છે. વુડા દ્વારા અપાતા હાસ્યાસ્પદ અને ઉડાઉ જવાબોનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.